યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર અને તેમની ફ્લાયદુબઈ ક્રૂ ટીમને ફર્સ્ટ ક્લાસ ઓર્ડર ઓફ જાયદ II એવોર્ડથી નવાજ્યા છે. આ સન્માન દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટ FZ1073 પર હવામાં થયેલા હુમલા દરમિયાન મુસાફરોની રક્ષા કરવા બદલ આપવામાં આવ્યું છે. સમારોહના જે વિડિયો અને ફોટા સામે આવ્યા છે તેમાં કેપ્ટન મચ્છરના માથા પર ખોપરીના ભાગે ટાંકા સ્ટેપલ કરેલા સ્પષ્ટ જોઈ શકાતા હતા, જે તેમને કોકપીટ ક્રેશ એક્સથી થયેલી ગંભીર ઇજાની ગવાહી આપે છે. લોહીથી લથપથ હોવા છતાં તેમણે પોતાની સૂઝબૂઝ અને હિંમતથી કોકપીટનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેના કારણે સમયસર મોટી દુર્ઘટના ટળી શકી હતી.
આ ગંભીર ઘટના ગત 30 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે 170થી વધુ લોકો સાથેની ફ્લાઈટ હવામાં હતી ત્યારે કો-પાયલોટે જ ઇમરજન્સીમાં વપરાતી કુહાડીથી કેપ્ટન મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો અને પ્લેનને માત્ર 30 સેકન્ડમાં જ લગભગ 14,000 ફૂટ નીચે તરફ ધકેલી દીધું હતું. આ હુમલામાં ઓમાનના નાગરિક એવા કો-પાયલોટે કેપ્ટનને ગંભીર ઇજા પહોંચાડી હતી છતાં કેપ્ટન મચ્છરે પોતાની છેલ્લી તાકાત ભેગી કરીને કોકપીટનો દરવાજો અનલોક કર્યો હતો. દરવાજો ખૂલતાની સાથે જ મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સે હુમલાખોરને કાબૂમાં લીધો હતો અને પ્લેનમાં સવાર અન્ય બે પાયલોટની મદદથી ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબુક ખાતે સુરક્ષિત લેન્ડ કરી હતી. આ બહાદુરી માટે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે પ્રેસિડેન્શિયલ રિસેપ્શનમાં કેપ્ટનને આ મેડલ અર્પણ કર્યા હતા.
આ અસાધારણ સાહસ બદલ કેપ્ટન સ્મિત મચ્છર પર સન્માનોનો વરસાદ થઈ રહ્યો છે. અગાઉ ક્રાઉન પ્રિન્સ હોસ્પિટલ જઈને તેમને મળ્યા હતા અને તેમની બહાદુરીના વખાણ કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા પણ તેમને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે અને સાથે જ ઇઝરાયેલ સરકાર દ્વારા પણ તેમને પ્રેસિડેન્શિયલ અવોર્ડ ફોર સિવિલિયન હીરોઈઝમ આપવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તબુકની હોસ્પિટલમાં પ્રારંભિક સારવાર લીધા બાદ તેમને વધુ સારવાર માટે અબુધાબી ખસેડવામાં આવ્યા હતા, અને હવે આ ગૌરવપૂર્ણ સન્માને દેશનું નામ રોશન કર્યું છે.
