JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો વળાંક, લોરેન્સ બિશ્નોઈ ગેંગના 11 આરોપીઓ સામે મકોકા કાયદો લાગુ

Oct 28, 2026 | 21:02 | By JAMNAGAR MIRROR
ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મોટો વળાંક, લોરેન્સ બિશ્નોઈ ગેંગના 11 આરોપીઓ સામે મકોકા કાયદો લાગુ
મુંબઈના જુહુ વિસ્તારમાં બોલીવુડ સ્ટાર ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા આ તમામ 11 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે મકોકા જેવા સખત કાયદા હેઠળ પુનઃ ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે હવે તેમને જામીન મેળવવા અત્યંત મુશ્કેલ બનશે.

મુંબઈના જાણીતા જુહુ વિસ્તારમાં 18 ઓક્ટોબરના રોજ બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ જ્યારે ફૂટબોલ ગ્રાઉન્ડ પરથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમની કાર પર બે શૂટરોએ અચાનક 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 36 વર્ષીય અભિનેતા સદભાગ્યે બચી ગયા હતા, પરંતુ તેમની કારના ડ્રાઈવર અને એક વ્લોગર એવા રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર ઘટનાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી હતી, જેના પગલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આ કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર બિશ્નોઈના સાથી અનિલ પંડિતને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યો છે.

આ કેસમાં પકડાયેલા કુલ 11 આરોપીઓમાંથી 3ની રાજસ્થાનના કોટાથી જ્યારે બાકીનાઓની દિલ્હી અને હરિયાણાના અલગ-અલગ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે મુંબઈ પોલીસે આ તમામ આરોપીઓને મકોકા કેસોની સુનાવણી કરતી વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં પોલીસે આ સખત કાયદા હેઠળ તેમની ફરીથી ધરપકડ કરવાની મંજૂરી માંગી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. હવે આ તમામ આરોપીઓને ગુરુવારે પોલીસ રિમાન્ડ માટે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.

મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ એટલે કે મકોકા લાગુ થવાથી આ કેસમાં પોલીસને મોટી કાનૂની તાકાત મળી ગઈ છે. સામાન્ય કાયદા હેઠળ ચાર્જશીટ દાખલ કરવા માટે 90 દિવસનો સમય મળે છે, પરંતુ મકોકા હેઠળ પોલીસને 180 દિવસનો સમય મળે છે અને આરોપીઓની લાંબી કસ્ટડી પણ મેળવી શકાય છે. આ કાયદા હેઠળ કોર્ટ ત્યારે જ જામીન આપે જ્યારે એ વાતની ખાતરી થાય કે આરોપી નિર્દોષ છે, ઉપરાંત ડીસીપી રેન્કિના અધિકારી સમક્ષ કરેલી કબૂલાત પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહે છે, જે આ ગેંગના સફાયા માટે પોલીસનું મોટું હથિયાર સાબિત થશે.

LATEST ARTICLES