JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદમાં ૧૯ સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી પાછળ પાકિસ્તાન-બાંગ્લાદેશનું કનેક્શન બહાર આવ્યું

Oct 28, 2026 | 17:40 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં ૧૯ સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી પાછળ પાકિસ્તાન-બાંગ્લાદેશનું કનેક્શન બહાર આવ્યું
અમદાવાદની શાળાઓ, કોર્ટો અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીના કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં આ ધમકીઓ પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું હેકિંગ નેટવર્ક હોવાનું તેમજ ક્રિપ્ટોકરન્સીથી ફંડિંગ થયું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં આવેલી જાણીતી શાળાઓ, ગુજરાત હાઈકોર્ટ, મેયર ઓફિસ અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અત્યંત સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાના મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. દેશમાં જાણીબૂજીને ભયનું વાતાવરણ ઊભું કરવા માટે મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈમેઇલ્સના તાર સીધા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હેક કરાયેલા Gmail એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે આ મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેને પગલે સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

તપાસની વિગતો મુજબ, અગાઉ 'ડેનિસ લોંગ' અને 'ડબલ્યુ.જે. કેન' નામના ખોટા આઈડીથી આવેલા મેઇલમાં અમદાવાદની ૧૦ શાળાઓ અને સ્ટેડિયમ સહિત ૧૬ સ્થળોને નિશાન બનાવાયા હતા, જેના તાર રાવલપિંડી અને બાંગ્લાદેશ સાથે જોડાયા હતા. આ કેસની તપાસ ચાલુ હતી તે દરમિયાન જ 27 ઓક્ટોબર, 2026ના રોજ વધુ એક ધમકીભર્યો ઈમેઇલ આવ્યો હતો, જેમાં ધમકીનો दायરો વધારીને ૧૪ શાળાઓ અને ઘીકાંટા કોર્ટ તથા સિટી સિવિલ કોર્ટ સહિત કુલ ૧૯ સ્થળોને હિટલિસ્ટ પર મુકાયા હોવાનું જણાવાયું હતું. આ બીજા મેઇલના ટેકનિકલ પુરાવા પાકિસ્તાનના લાહોર અને બાંગ્લાદેશના રંગપુર શહેરથી ઓપરેટ થતા હોવાનું સાયબર નિષ્ણાતોને જણાયું હતું.

આ મામલે પોલીસે પશ્ચિમ બંગાળથી એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી વાતો બહાર આવી છે કે તેણે ભારતમાં હેક કરેલા Gmail એકાઉન્ટ્સ બાંગ્લાદેશના શખ્સને વેચ્યા હતા અને ત્યાંથી તે પાકિસ્તાનના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે લેણદેણ ક્રિપ્ટોકરન્સી મારફતે થઈ હતી. હાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે બે અલગ-અલગ FIR નોંધીને આગામી તહેવારો અને મોટા આયોજનો ટાંકે જનતામાં ભય ફેલાવવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

LATEST ARTICLES