સુરેન્દ્રનગર શહેરના ખૂબ જ વ્યસ્ત ગણાતા મલ્હાર ચોક વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલની બેદરકારીએ સ્થાનિક વેપારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર અને ખાસ કરીને ડિલિવરી દરમિયાન વપરાયેલું ગંદુ અને દૂષિત પાણી કોઈ પણ જાતના સંકોચ વગર જાહેરમાં ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે. આ અતિ ગંભીર બેદરકારીના કારણે હોસ્પિટલ આસપાસની 50થી વધુ દુકાનોના વેપારીઓ તેમજ ત્યાં ખરીદી માટે આવતા ગ્રાહકોનું આરોગ્ય સીધી રીતે ગંભીર જોખમમાં મુકાયું છે.
આ ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સમગ્ર કોમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના લીધે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ પણ ખૂબ જ વધી ગયો છે. આ ભયાનક ગંદકી અને રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા વચ્ચે દુકાનદારો માટે આ વાતાવરણમાં બેસીને પોતાનો વેપાર-ધંધો કરવો પણ અશક્ય બન્યો છે. આ મામલે પીડિત વેપારીઓ દ્વારા અગાઉ સ્થાનિક વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા સમક્ષ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરીને કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
જ્યારે વેપારીઓએ હોસ્પિટલના ડોક્ટર અને સંચાલકોને રૂબરૂ મળીને આ પાણીના યોગ્ય અને વૈજ્ઞાનિક નિકાલ માટે વિનંતી કરી, ત્યારે હોસ્પિટલ સંચાલકોએ સંતોષકારક જવાબ આપવાને બદલે ઉદ્ધતાઈભર્યું અને ગેરવર્તન કર્યું હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. જો પ્રશાસન દ્વારા આ ગંભીર સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે અને હોસ્પિટલ સામે કાયદેસરના કડક પગલાં નહીં ભરાય, તો વેપારીઓ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
