JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

દિવાળી અને ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા જાણી લો તેની શુદ્ધતા ચકાસવાની આ સરળ રીતો

Oct 28, 2026 | 16:30 | By JAMNAGAR MIRROR
દિવાળી અને ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા જાણી લો તેની શુદ્ધતા ચકાસવાની આ સરળ રીતો
તહેવારોની સિઝનમાં સોનું ખરીદતી વખતે લોકોના મનમાં તેની અસલી શુદ્ધતાને લઈને ઘણા સવાલો હોય છે. તમે ઘર બેઠા જ BIS હોલમાર્ક, HUID કોડ અને વિનેગર કે સિરામિક ટેસ્ટ દ્વારા સોનાની ગુણવત્તા કેવી રીતે ચકાસી શકો છો તે જાણી લો.

દિવાળી અને ધનતેરસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં સોનું ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. સોનું ખરીદવું એ કોઈપણ વ્યક્તિ માટે એક મોટો અને કિંમતી સૌદો છે, કારણ કે તેમાં મહેનતની મોટી કમાણી રોકાયેલી હોય છે. આ સ્થિતિમાં જ્યારે આપણે પીળી ધાતુ પાછળ લાખો રૂપિયા ખર્ચીએ છીએ ત્યારે એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે આપણને પૂરેપૂરી શુદ્ધતા મળી રહી છે કે નહીં. સામાન્ય રીતે સોનું ખરીદતી વખતે હોલમાર્ક સૌથી મોટું સાધન માનવામાં આવે છે, પરંતુ આ સિવાય પણ ઘર બેઠા સોનાની શુદ્ધતા ચકાસવાની કેટલીક સરળ ટિપ્સ અને ઘરેલુ રીતો ઉપલબ્ધ છે.

સોનું અસલી છે કે નહીં તે ચકાસવા માટે સૌથી ભરોસાપાત્ર રીત BIS હોલમાર્ક જોવાની છે, જેમાં BIS લોગો, પ્યોરિટી માર્ક એટલે કે કેટરેટ સ્ટેમ્પ અને 6 ડિજિટનો HUID કોડ સામેલ હોય છે. આ HUID નંબર એક ખાસ આલ્ફાન્યૂમેરિક કોડ છે, જેને ગ્રાહકો સરકારની BIS કેર એપ પર ચેક કરીને જ્વેલરીની ઓરિજિનલ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત ઘરે બેઠા સિરામિક સ્ટ્રીક ટેસ્ટ પણ કરી શકાય છે, જેમાં અગ્લેઝ્ડ સિરામિક ટાઇલ પર જ્વેલરી ઘસીને તેનો કલર જોવામાં આવે છે. જો સોનેરી કલરની લાઈક પડે તો સોનું અસલી હોઈ શકે છે, જ્યારે કાળો કે ડાર્ક ગ્રે કલર અન્ય મેટલ અથવા પ્લેટિંગની હાજરી દર્શાવે છે. બીજી તરફ વિનેગર ટેસ્ટ પણ ખાસ્સો લોકપ્રિય છે, જેમાં જ્વેલરી પર વિનેગરના 2 થી 3 ટીપાં નાખીને 15 મિનિટ માટે છોડી દેવામાં આવે છે. જો મેટલનો કલર બ્લેક, ગ્રીન થઈ જાય અથવા બબલ્સ નીકળે તો સમજી જવું કે તેમાં ખોટી ધાતુ મિલાવેલી છે.

જોકે આ તમામ ઘરેલુ ટેસ્ટ માત્ર પ્રાથમિક જાણકારી માટે જ સારા છે, તે સોનાની ચોક્કસ ટકાવારી કે કેટરેટની પૂરી ગેરંટી નથી આપતા. મોંઘી જ્વેલરી ખરીદતી વખતે હંમેશા BIS હોલમાર્ક અને HUID નંબર પર જ ભરોસો કરવો સૌથી સમજદારીભર્યું પગલું છે. જો સેલર દ્વારા આપવામાં આવેલી શુદ્ધતા સામે જરાય શંકા હોય તો ઘરે પ્રયોગ કરવાને બદલે કોઈ પ્રોફેશનલ અથવા લેબમાં જઈને જ સોનાની શુદ્ધતા ચકાસાવી જોઈએ જેથી તમારા પૈસા સુરક્ષિત રહે.

LATEST ARTICLES