જામનગર જિલ્લામાં બુટલેગરો અને અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા સકંજા કસવામાં આવી રહ્યો છે, ત્યારે કાલાવડ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ જ અનુસંધાનમાં કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજકોટ તરફથી એક સીએનજી રિક્ષામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો જથ્થો હેરાફેરી થઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે નિકાવા ગામની પોલીસ ચોકી સામે રોડ પર વોચ ગોઠવીને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું.
વોચ દરમિયાન રાજકોટ તરફથી આવી રહેલી લીલા-પીળા રંગની શંકાસ્પદ સીએનજી રિક્ષા નં. જીજે-01-બીએક્સ-4034 ને પોલીસે અટકાવી હતી અને તેની સઘન તલાશી લીધી હતી. રિક્ષાની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે ચાલકે રિક્ષાની પાછળની સીટના પગ રાખવાના ભાગે અને પાછળની ડેકીમાં અત્યંત ચતુરાઈપૂર્વક વિશેષ ચોરખાના બનાવ્યા હતા. આ છુપા ચોરખાનાની અંદરથી પ્લાસ્ટિકના બાથ અને થેલીઓમાં ભરેલો કુલ 155 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. 31,000 ની કિંમતનો દેશી દારૂ અને રૂ. 1,00,000 ની કિંમતની સીએનજી રિક્ષા સહિત કુલ રૂ. 1,31,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે રાજકોટના ચુનારાવાડ શિવાજીનગર વિસ્તારમાં રહેતા 21 વર્ષિય રિક્ષાચાલક રોહિતભાઈ નરશીભાઈ માત્રાણિયા અને રાજકોટના મવડી પ્લોટ ઈશ્વરનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષિય હિરેનભાઈ કમલેશભાઈ ગુપ્તાની અટકાયત કરી લીધી છે. બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કયા શખ્સને પહોંચાડવાના હતા તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ દારૂના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નામ પણ બહાર આવે તેવી પૂરી શક્યતા છે.
