JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો

Oct 28, 2026 | 16:10 | By JAMNAGAR MIRROR
રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો
રાજકોટમાં એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં દિલને દિલથી જોડતો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ સુંદર આયોજનમાં ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં તા. 28 ના રોજ રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે એક અનોખો અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિલથી દિલને જોડવાનો અને મીડિયા તેમજ એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના લોકોને એક મંચ પર લાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સમૂહ રાષ્ટ્રગાન સાથે થઈ હતી, ત્યારબાદ સંસ્થાની આગવી ઓળખ દર્શાવતું ભાવનાત્મક એન્થમ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને મુંબઈના જાણીતા મ્યુઝિક ડિરેક્ટરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય આયોજનમાં શહેરની એડવર્ટાઈઝિંગ એજન્સીના સંચાલકો ઉપરાંત અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, સાંજ સમાચારના કરણભાઈ શાહ, આજકાલના ચંદ્રેશભાઈ જેઠાણી, ગુજરાત મિરરના સંજયભાઈ પટેલ, ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા અને મેનેજર નીંતુભાઈ ઝીબા, દિવ્યભાસ્કરના તંત્રી મહેન્દ્રસિંહ જાડેજા અને માર્કેટિંગ હેડ કલ્પેશભાઈ સાવલિયા, સંદેશ પ્રેસના પ્રજ્ઞેશભાઈ રૂપાણી, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જયભાઈ ઉદાણી સહિત અનેક અખબારોના તંત્રીઓ, પત્રકારો, ફોટોગ્રાફરો, ટીવી અને રેડિયો ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ તથા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં એડવર્ટાઇઝિંગના ઇતિહાસને દર્શાવતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના દિવંગત ફાઉન્ડર મિત્રો અજીતભાઈ ઝવેરી તથા દીપકભાઈ શાહને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય વક્તા અને જાણીતા લાઈફ કોચ ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ ઉપસ્થિત મેદનીને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જીવનનો થોડો સમય અને નાણાં સમાજ ઉત્કર્ષમાં વાપરવા જોઈએ તેમજ સફળતા માટે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. તેમણે સકારાત્મક વિચારો અને ભવિષ્યના આયોજનનું મહત્વ સમજાવતા વિવિધ કંપનીઓના ઉદાહરણો આપ્યા હતા. જયેશ સોના અને નૈનેશ પારેખ દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં જૂની રેડિયો અને ટીવીની જાહેર ખબરોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, અને અંતે આ સંસ્થા વ્યવસાયિક વિકાસનું સશક્ત માધ્યમ હોવાનું સાબિત થયું હતું.

LATEST ARTICLES