જૈન ધર્મમાં આયંબિલ તપનું ખૂબ જ મોટું મહત્ત્વ રહેલું છે, જેમાં વિગય એટલે કે દૂધ, દહીં, માખણ, ઘી અને તેલનો ત્યાગ કરવામાં આવે છે. આ તપ દરમિયાન બપોરે ૧૨ વાગ્યાની આસપાસ માત્ર એક જ વખત બાફેલું ભોજન લેવાનું હોય છે અને આખા દિવસ દરમિયાન ફક્ત ગરમ પાણી જ પીવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીના જણાવ્યા અનુસાર, ચૈત્ર માસ અને આસો માસમાં સુદ સાતમથી સુદ પૂનમ સુધીના 9 દિવસ આયંબિલ કરવાથી અનેક પાપ કર્મોનો ક્ષય થાય છે અને પુણ્યનું ભાથું બંધાય છે, જેને આયંબિલની ઓળી તરીકે ઓળખવામાં આવે છે.
હાલ જામનગર શહેરમાં ૧૦ કરતા વધારે ઉપાશ્રયમાં સમૂહ આયંબિલની ઓળી ચાલી રહી છે, જેમાં અનેક ઉદાર દાતાઓએ પોતાની લક્ષ્મીનો સદ્ઉપયોગ કરીને વિશેષ સહયોગ આપ્યો છે. પ્રભુ મહાવીર સ્વામીએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ સીધી રીતે આયંબિલ ન કરી શકે, તો તપસ્વીઓને ભોજન પીરસવાનો લાભ લેવાથી પણ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ નિયમ મુજબ દર વર્ષે હજારોની સંખ્યામાં જૈન અને જૈનેતર ભાઈ-બહેનો તપસ્વીઓને ભોજન પીરસવાનો લહાવો લઈને તેની અનુમોદના કરે છે.
ચાલુ વર્ષે ચાંદી બજાર સંઘમાં યોજાયેલી આસો માસની આયંબિલની ઓળીનો મુખ્ય લાભ દાતા શ્રી અલ્પાબેન જીતુભાઈ મહેતા તથા હંસાબેન નવિનભાઈ મહેતાના પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મોનાણી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર દર્શનભાઈ શેઠ, ભાજપના શહેર પ્રમુખ બિનાબેન કોઠારી તેમજ સંઘના કારોબારી સભ્યો વિરેન્દ્રભાઈ વશા, મયુરભાઈ શાહ, વિજયભાઈ શેઠ, અજયભાઈ શેઠ, દિપકભાઈ શાહ, પારસધામના ચેતુભાઈ શાહ અને કિરીટભાઈ મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.
