સ્પેનમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ટોલેડો પ્રાંતમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી ગંભીર અથડામણમાં 39 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે બનેલી આ ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે તેના કારણે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને નજીકના ઢાળ પર પલટી ખાઈ ગયા હતા. આ અકસ્માતના કારણે મેડ્રિડ, સિઉદાદ રીઅલ અને એન્ડાલુસિયા રૂટ પરની ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે, જેથી રાહત અને બચાવ કામગીરીમાં કોઈ અડચણ ન આવે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ આ બંને ટ્રેનો એક જ દિશામાં આગળ વધી રહી હતી, ત્યારે પાછળથી આવી રહેલી એક ટ્રેન આગળની ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત ટોલેડો પ્રાંતના લોસ યેબેનેસ અને ઉર્ડા શહેરો વચ્ચે સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે ભારે આઘાત વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર પીએમએ જણાવ્યું હતું કે તેઓ પરિવહન મંત્રી ઓસ્કાર પુએટે અને કેસ્ટિલા-લા માન્ચાના પ્રમુખ એમિલિઆનો ગાર્સિયા પાઝ સાથે સતત સંપર્કમાં છે તેમજ ઘટનાસ્થળે કટોકટી સેવાઓ લોકોને મદદ કરવા માટે પૂરજોશમાં કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે સ્પેનમાં ટ્રેન દુર્ઘટના બનવાની આ બીજી મોટી ઘટના છે, જેણે લોકોની ચિંતા વધારી દીધી છે. આ અગાઉ 18 જાન્યુઆરીએ પણ દક્ષિણ સ્પેનમાં બે ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 45 લોકોના મોત થયા હતા અને 170 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક ટ્રેન પાટા પરથી ઉતરીને વિરુદ્ધ ટ્રેક પર સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. તાજેતરની આ દુર્ઘટના બાદ દેશમાં રેલવે સુરક્ષા અને સિસ્ટમ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે અને તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય તથા ઘાયલોની સારવાર માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે.
