દેશના રાજકારણમાં ચર્ચામાં રહેલા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને કેન્દ્રની એનડીએ સરકારમાં સામેલ થવા માટે નવું આમંત્રણ મળ્યું છે. મંગળવારે નાગપુરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેએ દીપકેને પોતાની પાર્ટીમાં જોડાવા માટે જાહેર આમંત્રણ આપ્યું હતું. આઠવલેએ સ્પષ્ટ કર્યું હતું કે બાબાસાહેબ આંબેડકરના રાજકીય વિચારોને આગળ વધારવા માટે અને આંબેડકરવાદી રાજકારણને મજબૂત કરવા માટે યુવાન નેતાઓની જરૂરિયાત છે, જેથી દીપકે પાર્ટીમાં આવે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.
આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ આઠવલે દ્વારા દીપકેને આવો જ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો અને વિવિધ પ્રસંગોએ આ આમંત્રણ દોહરાવવામાં આવ્યું છે. હાલમાં દીપકેની પાર્ટી સીધી ચૂંટણી લડવાને બદલે રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર દબાણજૂથ તરીકે કામ કરી રહી છે. અગાઉ આઠવલેએ દીપકે દ્વારા પીએમ નરેન્દ્ર મોદી સામે ઉપયોગમાં લેવાયેલી ભાષા પર નારાજગી પણ વ્યક્ત કરી હતી, છતાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી તેઓ યુવા નેતાઓને જોડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, દીપકેએ અગાઉ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓ તેમને રાષ્ટ્રવિરોધી ગણાવતા હતા, જ્યારે હવે સરકારમાં સામેલ પક્ષના નેતાઓ તેમને પોતાની સાથે જોડાવા માટે આમંત્રિત કરી રહ્યા છે.
હાલની સ્થિતિએ અભિજિત દીપકે દ્વારા આઠવલેના આ તાજેતરના આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો નથી અને આ મુદ્દો માત્ર રાજકીય પ્રસ્તાવના સ્તરે જ સીમિત છે. દીપકે પોતાની સ્વતંત્ર રાજકીય ઓળખ જાળવી રાખશે કે પછી એનડીએનો હિસ્સો બનશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. આઠવલેના આ સતત પ્રયાસો પાછળનો મુખ્ય હેતુ રિપબ્લિકન પાર્ટીના સંગઠનનો વ્યાપ વધારવાનો છે, પરંતુ દીપકેના અત્યાર સુધીના વલણને જોતા આગામી સમયમાં તેઓ શું નિર્ણય લે છે તેના પર બધાની નજર રહેશે.
