JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ફ્યુઅલના ભાવ આસમાને પહોંચતા યુએસ ક્રૂઝ શિપ ઓડિસીની સફર અચાનક અટકી

Oct 28, 2026 | 12:30 | By JAMNAGAR MIRROR
ફ્યુઅલના ભાવ આસમાને પહોંચતા યુએસ ક્રૂઝ શિપ ઓડિસીની સફર અચાનક અટકી
દુનિયાની સફરે નીકળેલા ફ્લોટિંગ હોમ જેવા પ્રખ્યાત ક્રૂઝ શિપના સેંકડો પેસેન્જરોએ જહાજ ખાલી કરવું પડ્યું છે. એશિયામાં ફ્યુઅલના ખર્ચમાં અણધાર્યો વધારો થતા ઓપરેટિંગ લોસ વધી ગયો હતો.

દુનિયાભરના સાતેય મહાત્વીપોની સફરે નીકળેલું અમેરિકાનું પ્રખ્યાત રેસિડેન્શિયલ ક્રૂઝ શિપ 'ઓડિસી' આખરે ફ્યુઅલના વધેલા ભાવોને કારણે કંબોડિયામાં અટકી ગયું છે. આ ક્રૂઝ શિપમાં મુસાફરી કરી રહેલા સેંકડો પેસેન્જરોને તેમના આ ફ્લોટિંગ હોમમાંથી અચાનક બહાર નીકળી જવાની નોબત આવી છે. ફ્લોરિડા સ્થિત કંપની દ્વારા આ જહાજને લાંબા ગાળાના દરિયાઈ જીવન સાથે ગ્લોબલ ટ્રાવેલના કન્સેપ્ટ સાથે 3.5 વર્ષની લાંબી દુનિયાની સફર માટે 2 વર્ષ પહેલા રવાના કરવામાં આવ્યું હતું, જેણે ઓગસ્ટ 2030 સુધી ચાલવાનું હતું.

કંપનીના જણાવ્યા મુજબ અગાઉ કેબિન દીઠ ફ્યુઅલનો માસિક ખર્ચ સરેરાશ 1,800 ડોલર આવતો હતો, જે ઈરાન સાથેના યુદ્ધ બાદ એશિયાના કેટલાક વિસ્તારોમાં વધીને સીધો 6,000 થી 8,000 ડોલર સુધી પહોંચી ગયો છે. આ ખર્ચને પહોંચી વળવા માટે જહાજની સ્પીડ ઘટાડીને અને પોર્ટ પર વધુ સમય વિતાવીને ફ્યુઅલ વપરાશ ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં વધારાના ખર્ચને સરભર કરી શકાયું નહીં. કંબોડિયાના સિહાનુંકવિલે ઓટોનમસ પોર્ટ પર ગત 23 ઓક્ટોબરના રોજ આ જહાજ 5 દિવસની મુલાકાત માટે ડોક થયું હતું અને ત્યાંથી વિયેતનામ જવાનું હતું, પરંતુ બુધવારે પણ તે પોર્ટ પર જ ઊભું રહ્યું હતું. આ જહાજમાં 15 અલગ-અલગ નેશનાલિટીના કુલ 203 પેસેન્જરો સવાર હતા, જેમાં મોટાભાગના અમેરિકનો સામેલ છે, જ્યારે તેની ક્ષમતા 650 રેસિડેન્ટ્સની હતી અને તેની સાથે 156 ક્રૂ મેમ્બર્સ પણ સામેલ હતા.

વધતા ઓપરેટિંગ લોસને કારણે પેસેન્જરો પર આર્થિક બોજ નાખવો શક્ય ન હોવાથી કંપનીએ હાલ પૂરતી સફર સસ્પેન્ડ કરી દીધી છે અને પેસેન્જરોને જહાજ ખાલી કરવા જણાવી દીધું છે, જોકે ક્રૂ મેમ્બર્સની સ્થિતિ હજુ અસ્પષ્ટ છે. કંપની હાલમાં આર્થિક ફેરરચના (રીસ્ટ્રક્ચરિંગ) કરવાનો પ્રયાસ કરી રહી છે અને પેસેન્જરો તેમજ કર્મચારીઓને સપોર્ટ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અગાઉ કંપની દ્વારા 2029ના પ્રારંભમાં બીજું એક રેસિડેન્શિયલ ક્રૂઝ શિપ લાવવાની પણ યોજના હતી, પરંતુ હાલ ઓડિસીની સફર અટકી જવાથી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

LATEST ARTICLES