નવી દિલ્હી ખાતે આકાશવાણી દ્વારા આયોજિત 67મા સરદાર પટેલ મેમોરિયલ લેક્ચરમાં કેન્દ્રીય એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર શિવરાજ સિંહ ચૌહાણે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતાં ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર નિશાન સાક્યું હતું. તેમણે કહ્યું કે આઝાદી પછી દેશી રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની ભૂમિકા અત્યંત મહત્વની હતી અને જો તેમના વગર દેશનો વર્તમાન ભૌગોલિક આકાર અશક્ય હતો. ચૌહાણે દાવો કર્યો હતો કે જો 1947-48ના યુદ્ધ દરમિયાન નેહરૂએ સીઝફાઇરની જાહેરાત ના કરી હોત અને કાશ્મીરનો મામલો સરદાર પટેલના હાથમાં છોડ્યો હોત, તો આજે જે ભાગ પાકિસ્તાન પાસે ગયો છે તે ભારતનો જ ભાગ હોત.
આ ભાષણ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે હૈદરાબાદ, જૂનાગઢ અને ભોપાલ જેવા રજવાડાઓને જોડતી વખતે સરદાર પટેલે કરેલા સંઘર્ષો અને કુશળ રણનીતિને યાદ કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું કે મહાત્મા ગાંધીજીની ઇચ્છાને માન આપીને પટેલે પોતાની અંગત મહત્વાકાંક્ષા બાજુ પર મૂકીને નેહરૂને પીએમ બનવા દીધા હતા, જે ત્યાગનું અનન્ય ઉદાહરણ છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અંગે બોલતા તેમણે આક્ષેપ કર્યો કે નેહરૂ તેના વિરોધમાં હતા અને જ્યારે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેના ઉદ્ઘાટનમાં જવાના હતા ત્યારે નેહરૂએ નારાજગી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીની સરકારના આર્ટિકલ 370 નાબૂદ કરવાના, ટેરરિઝમ સામે કડક પગલાં લેવાના અને નક્સલવાદને ખતમ કરવાના નિર્ણયોને તેમણે સરદાર પટેલની મજબૂત રાષ્ટ્રની વિચારધારા સાથે સરખાવ્યા હતા.
વધુમાં ચૌહાણે જણાવ્યું કે સરદાર પટેલે મહિલાઓની શિક્ષા, બાળ લગ્નનો વિરોધ અને સિવિલ સર્વિસ એટલે કે આઈએએસ અને આઈપીએસ જેવી મજબૂત એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમનો પાયો નાખ્યો હતો. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું. દેશમાં કૃષિ ક્ષેત્રે 2014 પછી અનાજનું ઉત્પાદન વધીને 376.56 મિલિયન ટન પહોંચ્યું છે અને સરકાર ગ્રામીણ વિકાસ માટે કટિબદ્ધ છે. આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આ વ્યાખ્યાનનું પ્રસારણ દેશભરમાં કરવામાં આવશે, જે નાગરિકોને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાની પ્રેરણા આપે છે.
