JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અમેરિકાના જીપીએસને ટક્કર આપવા તૈયાર ભારત, ISRO લાવિ રહ્યું છે શક્તિશાળી NVS-03 મિશન

Oct 27, 2026 | 20:55 | By JAMNAGAR MIRROR
અમેરિકાના જીપીએસને ટક્કર આપવા તૈયાર ભારત, ISRO લાવિ રહ્યું છે શક્તિશાળી NVS-03 મિશન
અમેરિકાની જીપીએસ સિસ્ટમ પરની નિર્ભરતા ઘટાડવા માટે ISRO આગામી 30 ઓક્ટોબરે શ્રીહરિકોટાથી NVS-03 સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સ્વદેશી નેવિગેશન સિસ્ટમથી માત્ર દેશની સેના જ નહીં, પરંતુ સામાન્ય લોકોના સ્માર્ટફોનમાં પણ લોકેશન ટ્રેકિંગ વધુ સચોટ બનશે.

ભારત હવે અંતરિક્ષ વિજ્ઞાનમાં વધુ એક મોટી છલાંગ લગાવવા માટે પૂરી રીતે તૈયાર છે અને અમેરિકાની જીપીએસ સિસ્ટમ સામે પોતાની મજબૂત સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavIC ને વધુ તાકાતવર બનાવી રહ્યું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ISRO દ્વારા આગામી 30 ઓક્ટોબરે શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી મહત્વકાંક્ષી નેવિગેશન ઉપગ્રહ NVS-03 ને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ મિશન ભારત અને તેની સરહદોથી આશરે 1500 કિલોમીટર બહાર સુધીના વિસ્તારમાં સચોટ લોકેશન, રસ્તા અને સમયની માહિતી આપતી સિસ્ટમને વધુ અવિરત અને મજબૂત બનાવશે.

આ મહત્વપૂર્ણ મિશન માટે ISRO દ્વારા GSLV Mk II એટલે કે GSLV-F18 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે, જે 30 ઓક્ટોબરની રાત્રે 11:51 વાગ્યે NVS-03 સેટેલાઇટને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરશે. આ સેટેલાઇટની સૌથી મોટી ખાસિયત તેમાં લગાવવામાં આવેલી સ્વદેશી રુબિડિયમ એટોમિક ક્લોક છે, જે અત્યંત સચોટ સમય અને લોકેશન ડેટા પૂરો પાડશે. અગાઉની પેઢીના ઉપગ્રહોમાં ટેકનિકલ ખામીઓ સર્જાતા NavIC ની ક્ષમતા પ્રભાવિત થઈ હતી, પરંતુ NVS-03 આ જૂના ઉપગ્રહોનું સ્થાન લઈને નેવિગેશન નેટવર્કને નવજીવન આપશે. આ સાથે જ તેમાં L1 ફ્રિકવન્સી બેન્ડ સામેલ કરાયો હોવાથી હવે સામાન્ય નાગરિકોના સ્માર્ટફોન અને કોમર્શિયલ વાહનોમાં પણ આ સ્વદેશી સિસ્ટમનો ઉપયોગ અત્યંત સરળ બની જશે.

આગામી સમયમાં NVS-03 ઉપરાંત ISRO દ્વારા NVS-04 અને NVS-05 જેવા સેટેલાઇટ્સ પણ લોન્ચ કરવામાં આવશે, જેથી ભારતની પોતાની આ નેવિગેશન સિસ્ટમ લાંબા ગાળા માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની શકે. નાગરિકોના રોજિંદા સ્માર્ટફોન ગેજેટ્સ ઉપરાંત આ સિસ્ટમ આપણા દેશના સુરક્ષા દળો અને સૈન્ય સુરક્ષા સેવાઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે તેમાં એડવાન્સ એન્ક્રિપ્શન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ મિશન સફળ થયા બાદ દેશ વિદેશમાં લોકેશન ટ્રેકિંગ અને નેવિગેશન માટે અન્ય દેશો પરની આપણી નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટી જશે.

LATEST ARTICLES