ફાઇનાન્શિયલ ટેકનોલોજી એટલે કે ફિનટેક ક્ષેત્રમાં કંઈક હટકે વિચારતા આપણા દેશના યુવાનો અને રિસર્ચર્સ માટે શાનદાર તક સામે આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓના ભાગરૂપે ગિફ્ટ સિટી અને IIT ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 'ગિફ્ટ ફ્યુચરલેબ ગ્રાન્ડ ચેલેન્જ 2026-27'નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનો મુખ્ય હેતુ ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા આધુનિક ટેકનોલોજી અને રિસર્ચ આધારિત બેસ્ટ વિચારોને બહાર લાવવાનો છે, જેથી દેશના યુવાનો ફ્યુચર રેડી ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે.
આ સ્પર્ધામાં દેશભરની ટેકનિકલ, મેનેજમેન્ટ અને અન્ય હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સના સ્ટુડન્ટ્સ તેમજ રિસર્ચર્સ ભાગ લઈ શકશે, જેમાં ઉમેદવારો એકલા કે પછી ટીમ બનાવીને અરજી કરી શકે છે. સ્પર્ધામાં ઇન્ટેલિજન્ટ અને ઓટોનોમસ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ, ડિજિટલ એસેટ્સ, સાયબર સિક્યોરિટી, ફ્રોડ અને રિસ્ક મેનેજમેન્ટ, રેગ્યુલેટરી ટેકનોલોજી તેમજ નેક્સ્ટ જનરેશન ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અવનવા વિષયો પર આઇડિયાઝ રજૂ કરી શકાશે. આ સ્પર્ધા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે અને આખી પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે, જેમાં આઇડિયાની નવીનતા અને તેની વાસ્તવિક ઉપયોગીતાને આધારે મૂલ્યાંકન થશે.
પ્રારંભિક તબક્કા બાદ પસંદ થયેલી આશરે 10 થી 12 ટીમોને IIT ગાંધીનગર ખાતે યોજાનારી ઓફલાઇન ગ્રાન્ડ ફિનાલેમાં બોલાવવામાં આવશે, જે 20 ડિસેમ્બર, 2026 સુધીમાં યોજાશે. આ ફિનાલેમાં ઇન્ડસ્ટ્રી અને ગિફ્ટ સિટીના દિગ્ગજ નિષ્ણાતોની જ્યુરી સમક્ષ યુવાનોએ પોતાના વિચારો રજૂ કરવા પડશે. એટલું જ નહીં, આ પહેલ માત્ર સ્પર્ધા પૂરતી સીમિત નથી પરંતુ ગિફ્ટ સિટી દ્વારા વિજેતા ટીમોને મોટી બેંકો, ફિનટેક કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ સાથે સીધા જોડવામાં આવશે, જેથી તેમના આઇડિયાઝનું પ્રોજેક્ટ તરીકે રિયલ વર્ડમાં અમલીકરણ થઈ શકે અને ટોચની 3 ટીમોને જાન્યુઆરી 2027માં વાઇબ્રન્ટ ગુજરાતના ગ્લોબલ મંચ પર પોતાના વિચારો દુનિયા સામે મૂકવાની સોનેરી તક મળશે.
