દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઘરમાં સાફ-સફાઈ અને સજાવટનો દોર શરૂ થઈ ગયો છે. તહેવારના આ પવિત્ર દિવસે અંધકાર દૂર કરવા માટે આપણે બધા ઘરમાં માટીના દીવા અચૂક પ્રગટાવીએ છીએ. સામાન્ય રીતે એકવાર દીવા પ્રગટાવ્યા પછી તે કાળા પડી જાય છે અને તેના પર ભારે ચીકાશ પણ જામી જાય છે. આ સ્થિતિમાં મોટાભાગના લોકો જૂના દીવાઓને નકામા સમજીને કચરાપેટીમાં ફેંકી દે છે અને દર વર્ષે નવા દીવા ખરીદીને લાવે છે. જો તમે પણ આ જ રીતે દર વર્ષે નવા દીવા ખરીદતા હોવ, તો હવે તમારે પૈસા બગાડવાની જરૂર નથી કારણ કે એક સરસ ઘરેલું નુસખાથી તમે જૂના દીવાઓને તદ્દન નવા જેવા સાફ કરી શકો છો.
આ કાળા પડી ચૂકેલા દીવાઓને સાફ કરવા માટે તમારે બજારમાંથી કોઈ મોંઘા ક્લીનર કે સાબુ લાવવાની બિલકુલ જરૂર નથી અને ન તો દીવાને કશાયથી ઘસવાની મહેનત કરવાની છે. આ માટે સૌથી પહેલા ચૂલો સળગાવીને તેમાં છાણા એટલે કે ગોબરના ઉપલા અથવા લાકડા નાખીને સરસ અંગારા તૈયાર કરી લો. જ્યારે ચૂલામાં સારી રીતે અંગારા તૈયાર થઈ જાય, ત્યારે આ જૂના માટીના દીવાઓને સાવધાનીપૂર્વક આગની અંદર મૂકી દેવાના છે. દીવાઓને આશરે 5 થી 7 મિનિટ સુધી ચૂલાની અંદર જ રહેવા દો અને ત્યારબાદ તેને કાળજીપૂર્વક બહાર કાઢી લો. આગમાંથી બહાર કાઢતાની સાથે જ તમે જોઈ શકશો કે દીવાઓ પર જામેલી બધી જ કાળાશ અને ચીકાશ ગાયબ થઈ ગઈ છે અને દીવા એકદમચોખ્ખા થઈ ગયા છે.
આ દેશી જુગાડ અજમાવતી વખતે કેટલીક ખાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આગમાંથી બહાર કાઢેલા ગરમ દીવાઓને ભૂલથી પણ તરત જ પાણીમાં નાખીને ઠંડા ન કરવા, કારણ કે અચાનક ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી ગરમ દીવા તિરાડ પડીને તૂટી શકે છે. તેથી તેને ખુલ્લી હવામાં જ કુદરતી રીતે ઠંડા થવા દેવા, અને ત્યારબાદ જરૂર જણાય તો કોઈ વાસણમાં રાખીને હળવા હાથે પાણીથી સાફ કરી શકાય. આગ સાથે કામ કરવાનું હોવાથી આ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત સલામતીનું પૂરતું ધ્યાન રાખવું અનિવાર્ય છે જેથી કોઈ અકસ્માત ન સર્જાય.
