JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

બેટર્સના જમાનામાં પણ બોલર્સ મેચ પર કંટ્રોલ રાખી શકે છે: ભુવનેશ્વર કુમાર

Oct 27, 2026 | 19:35 | By JAMNAGAR MIRROR
બેટર્સના જમાનામાં પણ બોલર્સ મેચ પર કંટ્રોલ રાખી શકે છે: ભુવનેશ્વર કુમાર
વેલિંગ્ટનમાં ત્રીજી T20 મેચ જીત્યા બાદ અનુભવી ભારતીય પેસર ભુવનેશ્વર કુમારે મોટું નિવેદન આપ્યું છે. લગભગ 4 વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરનાર 36 વર્ષીય ભુવનેશ્વરે કહ્યું કે યોગ્ય પ્લાનિંગ અને એડેપ્ટાબિલિટીથી બોલર્સ હજુ પણ મેચની બાજી પલટી શકે છે.

આજકાલ T20 ક્રિકેટ પૂરી રીતે બેટર્સનું થઈ ગયું હોય તેવું લાગતું હોય, પણ ભારતીય ટીમના અનુભવી પેસર ભુવનેશ્વર કુમારનું માનવું છે કે સારા બોલર્સ ગમે તેવી પરિસ્થિતિમાં પણ મેચ પર કંટ્રોલ જાળવી રાખવાની કળા જાણે છે. IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ લગભગ 4 વર્ષના લાંબા અંતરાલ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરેલા 36 વર્ષીય ભુવનેશ્વરે આજના બેટિંગ પ્રભુત્વવાળા ફોર્મેટમાં ટકી રહેવા માટે પોતાની બોલિંગ સ્ટાઇલમાં મોટો બદલાવ કર્યો છે. વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ટીમની જીત બાદ પત્રકારો સાથે વાતચીતમાં તેણે સ્પષ્ટ કર્યું કે રમત ભલે બેટર્સને અનુકૂળ હોય, પણ બોલર જ નક્કી કરે છે કે બેટરને કયા બોલ નાખવો, જેથી બોલર્સ પાસે મેચ નિયંત્રિત કરવાની પૂરી તક રહે છે.

ભુવનેશ્વરે ઉમેર્યું કે આજના સમયમાં નાની બાઉન્ડ્રી અને બેટર્સ માટે અનુકૂળ માહોલને કારણે ભલે માર્જિન ઓફ એરર ખૂબ ઓછી હોય, પરંતુ જે બોલર્સ ઝડપથી પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ થઈ જાય છે તેઓ સફળ રહે છે. વર્ષ 2012માં પોતાની T20 ડેબ્યૂ કરનાર ભુવનેશ્વરે આજના યુવા ભારતીય પેસર્સની પ્રશંસા કરતા કહ્યું કે IPL રમીને આવ્યા હોવાથી તેઓ ભલે નવા હોય પણ ઇન્ટરનેશનલ લેવલ જેવો જ અનુભવ ધરાવે છે. આજના બેટર્સના બદલાયેલા માનસ વિશે વાત કરતા તેણે સ્વીકાર્યું કે પહેલા બેટર્સ શરૂઆતના બોલ પર રન બન્યા પછી ઓવરના બાકીના બોલ પર થોડા શાંત થતા હતા, પરંતુ આ નવી પેઢી તમામ 6 બોલ પર હિટ કરવાનો નિર્ભય અભિગમ ધરાવે છે.

પોતાના ભવિષ્ય અને ODI ફોર્મેટમાં રમવાની મહત્વાકાંક્ષા વિશે બોલતાં ભુવનેશ્વરે જણાવ્યું કે તે લાંબુ વિચારવામાં માનતો નથી અને હાલ માત્ર વર્તમાન પર ધ્યાન આપી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવાના સવાલ પર તેણે કહ્યું કે તેણે આના માટે કોઈ ભાગદોડ નહોતી કરી, પરંતુ છેલ્લા 2 વર્ષમાં IPLમાં આપેલા શાનદાર પ્રદર્શનને કારણે તેનું આ સપનું સાકાર થયું છે. ભુવનેશ્વરે સ્પષ્ટ કર્યું કે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી કે વિજય હજારે જેવી ડોમેસ્ટિક ક્રિકેટ મેચો સતત રમતો રહેશે અને ટીમ ઇન્ડિયા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખશે.

LATEST ARTICLES