દિલ્હીની પ્રખ્યાત અને ક્યારેક ચિંતાજનક બની જતી હવા પાછળ છેલ્લા 10 વર્ષમાં શું બદલાવ આવ્યા છે તે જાણવા માટે હવે એક નવો અભ્યાસ શરૂ થયો છે. વર્ષ 2016માં IIT કાનાપુર દ્વારા દિલ્હીનો પહેલો મોટો સોર્સ અપોર્શનમેન્ટ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જે બાદ હવે એર ક્વોલિટી પ્રોફાઈલ કેવી રીતે બદલાઈ છે તેની કાળજીપૂર્વક તપાસ થઈ રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ની ફંડિંગથી શરૂ થયેલા આ પ્રોજેક્ટનો હેતુ જુના અભ્યાસોની મેથડોલોજી અને ભૌગોલિક મર્યાદાઓની અસંગતતાઓને દૂર કરવાનો છે. આ સમગ્ર પહેલથી ભવિષ્યની લાંબા ગાળાની પોલ્યુશન કંટ્રોલ પ્લાનિંગ માટે મજબૂત વૈજ્ઞાનિક આધાર મળી રહેશે.
આ અભ્યાસ માટે 2026ને બેઝ યર તરીકે રાખીને સમગ્ર વિસ્તારને 500 મીટર × 500 મીટરના ગ્રીડમાં વહેંચવામાં આવ્યો છે, જેનાથી એકદમ સચોટ ડેટા મળી શકે. પુણેની ઓટોમોબાઈલ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI), IIT દિલ્હી, TERI અને પુણેની IITM સંસ્થા મળીને આ સમગ્ર પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહી છે. આ રિસર્ચમાં PM10, PM2.5, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા વિવિધ પ્રદૂષકોનું વિશ્લેષણ કરવામાં આવશે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના ડેટાનું વિશ્લેષણ કરીને મિડ-2027 સુધીમાં 2030, 2035 અને 2040 માટેના એર ક્વોલિટી અને ઇમિશન સિનારિયો તૈયાર કરવામાં આવશે. CAQMના ટેકનિકલ મેમ્બર એસ.ડી. અત્રીના જણાવ્યા મુજબ, ઉદ્યોગો ક્લીન ફ્યુઅલ તરફ વળ્યા છે અને NCRમાં કોલસા પર પ્રતિબંધ મૂકાયો છે, જેનાથી પ્રદૂષણના સ્ત્રોતોમાં મોટો ફરક પડ્યો છે.
આ પ્રોજેક્ટમાં સેટેલાઇટ આધારિત AI મેપિંગની સાથે ફિલ્ડ ટીમો દ્વારા ગ્રાઉન્ડ-લેવલ પર જઈને ભૌતિક ચકાસણી પણ કરવામાં આવી રહી છે, જેથી કોઈ નાની વિગત છૂટી ન જાય. વાહનોના ધુમાડા, ટ્રાફિકનું પ્રમાણ, ફેક્ટરીઓનું લોકેશન, રોડ ડસ્ટ અને કચરા વ્યવસ્થાપન જેવા તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક આકલન થઈ રહ્યું છે. આ નવો ઇમિશન ઇન્વેન્ટરી તૈયાર થયા બાદ તેને IITMના ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (DSS) સાથે જોડવામાં આવશે, જે હાલમાં જૂના 2021ના ડેટા પર ચાલી રહી છે. આ ઉપરાંત NCRમાં નવા રિયલ-ટાઇમ સોર્સ અપોર્શનમેન્ટ સુપર-સાઇટ્સ પણ ઊભી કરવામાં આવી રહી છે, જેમાં ન્યુ રાજેન્દ્ર નગર અને રાઉઝ એવન્યુ ઉપરાંત ગ્રેટર નોઈડા, સોનીપત, રોહતક અને રેવાડીમાં પણ વધુ સુપર-સાઇટ્સનું આયોજન છે.
