જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી સામે ખાણ-ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ગત તા. 26 ઓક્ટોબરના રોજ જામનગરના ભૂસ્તર શાસ્ત્રીની ખાસ સૂચનાના આધારે કચેરીના સ્ટાફે ઊંડ નદી પટ વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન થઈ રહ્યું હોવાની બાતમીના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે રેતીચોરોમાં દોડધામ મચી ગઈ હતી.
આ આકસ્મિક તપાસ દરમિયાન ટીમ દ્વારા સ્થળ પરથી ગેરકાયદે ખનન અને વહન કરતા વાહનો અને મશીનરી ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં 1 હીટાચી મશીન, 1 લોડર મશીન અને સાદી રેતી ભરેલું 1 ડમ્પર મળી કુલ 60 લાખ રૂપિયાની કિંમતના સાધનો કબજે લેવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દામાલને સુરક્ષિત રીતે નજીકના પ્લાન્ટમાં જમા કરાવી દેવામાં આવ્યો છે. કચેરીના આકસ્મિક દરોડાની આ સરાહનીય કામગીરી નિખિલભાઈ, આનંદભાઈ, યશભાઈ અને રજનીકાંતભાઈ સહિતની ટીમે પાર પાડી હતી.
આ પ્રકારની કડક કાર્યવાહીથી ખનિજ ચોરોમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે. ખાણ-ખનિજ કચેરી દ્વારા આગામી દિવસોમાં પણ આવા ગેરકાયદે ખનન અને વહન સામે સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. તંત્રના આ પગલાથી રેતીના ગેરકાયદે ધંધા કરતા તત્વોમાં કાયદાનો ડર ઊભો થયો છે અને ભવિષ્યમાં પણ કડક દંડાત્મક કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે.
