રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી અને રૂરલ એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરી હેઠળ એલસીબીની ટીમ ગોંડલ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં આવેલા ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-1 ની અંદર શ્યામ સ્પાઇસ કારખાનાની બાજુમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમ અચાનક ત્રાટકતા જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને અંધારાનો લાભ લઈને બૂટલેગરો તથા ગાડીઓના ચાલકો ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ અલગ-અલગ વાહનોની તલાશી લીધી હતી, જેમાંથી વિદેશી દારૂની 414 પેટીઓ એટલે કે કુલ 4,986 બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત રૂપિયા 35,79,335 થાય છે. આ ઉપરાંત પોલીસે કટિંગમાં વપરાયેલી 1 આઈસર ગાડી, 1 અશોક લેલેન્ડ દોસ્ત માલવાહક ગાડી, 1 અર્બન ક્રુઝર ફોરવ્હીલ ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 55,89,335 નો મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચોરડી ગામનો સોહિલ સલીમ મડમ આ દારૂનો જથ્થો મંગાવીને કટિંગ કરાવી રહ્યો હતો. આ ઉપરાંત આઈસર ગાડી અને અશોક લેલેન્ડ દોસ્ત ગાડીના ચાલકો, અર્બન ક્રુઝર ગાડીના ચાલક તેમજ બહારથી દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તો આ તમામ પાંચેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આ સફળ દરોડાની કામગીરીમાં એલસીબીના પીએસઆઈ તથા સ્ટાફના સભ્યો સક્રિય રીતે જોડાયા હતા.
