અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ મથક હદ વિસ્તારમાં બનેલી એક અત્યંત સંવેદનશીલ ઘટનામાં પોક્સોની વિશેષ અદાલતે ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગત ૨૨ માર્ચના રોજ બનેલી આ ઘટનામાં માત્ર ૬ વર્ષ અને ૧૦ મહિનાની માસૂમ બાળકી પર તેના જ સાવકા પિતા દ્વારા જાતીય અડપલાં અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાના દિવસે બપોરે જ્યારે ફરિયાદી માતા ગેલેરીમાં કપડાં સૂકવી રહી હતી ત્યારે પુત્રીની ચીસો સાંભળીને તે બેડરૂમમાં દોડી ગઈ હતી. ત્યાં તેણે આરોપી સાવકા પિતાને શંકાસ્પદ હાલતમાં જોયો અને બાળકીએ રડતાં રડતાં પોતાની સાથે થયેલા કૃત્યની આપવીતી જણાવી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને માતાએ ત્વરિત પગલું ભરીને ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન અને ૧૧૨ પર ફોન કર્યો હતો, જેના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધ્યો હતો.
આ કેસની ટ્રાયલ દરમિયાન એક મોટો વળાંક આવ્યો જ્યારે પીડિતા અને તેની માતા બંને અદાલતમાં પોતાના મૂળ નિવેદનથી ફરી ગયા હતા. માતાએ કોર્ટ સમક્ષ દાવો કર્યો કે પતિ-પત્ની વચ્ચેના પારિવારિક ઝઘડા અને બોલાચાલીના કારણે જ હેલ્પલાઇન પર ફોન કરવામાં આવ્યો હતો, જ્યારે બાળકીએ પણ માત્ર ઝઘડાની જ વાત દોહરાવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી કુટુંબનો એકમાત્ર કમાનાર સભ્ય હતો અને ફરિયાદી તથા પીડિતા આર્થિક રીતે તેના પર જ નિર્ભર હતા. આર્થિક અસલામતી અને કૌટુંબિક દબાણના કારણે જ સાક્ષીઓ પોતાના નિવેદન બદલવા મજબૂર બન્યા હોવાનું સ્પષ્ટપણે ફલિત થયું હતું, છતાં ન્યાયતંત્રની સતર્કતાએ ગુનેગારને બચવા દીધો ન હતો.
અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એ.બી. ભટ્ટે સરકારી વકીલની દલીલો, ૭ સાહેદો અને ૨૭ જેટલા મહત્ત્વપૂર્ણ પુરાવાઓને બારીકાઈથી ચકાસ્યા હતા. કોર્ટે નોંધ્યું કે સાક્ષીઓ ભલે પલટી ગયા હોય, પરંતુ બનાવ બન્યા તરત જ નોંધાયેલા ૧૮૧ હેલ્પલાઈનના રેકોર્ડ અને તબીબી તપાસના અહેવાલને નકારી શકાય નહીં. ૧૮૧ ની વર્ધીમાં બાળકીની જાતીય સતામણીનો સ્પષ્ટ ઉલ્લેખ હતો અને મેડિકલ તપાસમાં પીડિતાના ગુપ્ત ભાગે જોવા મળેલી લાલાશ પણ હુમલાની પુષ્ટિ કરતી હતી. આ તમામ નક્કર પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા, ૭૫ હજાર રૂપિયાનો દંડ તેમજ પીડિતાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો કડક હુકમ કર્યો છે.
