ખંભાળીયામાં તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલીયા અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો અને ખાસ કરીને સરકારી સહાયની નીતિઓ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દુષ્કાળગ્રસ્તોની સહાયને ખેડૂતો સાથેની ક્રૂર મજાક ગણાવી હતી અને સરકારની આ સંવેદનશીલતા સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બેઠકમાં ખેડૂતોના આર્થિક ભારણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે એક વીઘા જમીનમાં ખેડૂતે ખાતરની થેલી વાપરવી પડે તો તેની જ કિંમત 2450 રૂપિયા થાય છે, જ્યારે સરકાર સામે પક્ષે માત્ર 1360 રૂપિયા સહાય આપે છે. આ સ્થિતિમાં બિયારણ, પાણી પાવાનો ખર્ચ, મજૂરી અને અન્ય ખેતીના ખર્ચનું શું તેવો મોટો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન સરકારની મરેલી આત્મા, લાગણી અને સંવેદનશીલતા માટે બે મિનિટનું મૌન પાળીને વિચિત્ર રીતે શોકાંજલિ આપીને અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ખેડૂતોના હિતમાં કેટલાક મહત્વના ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં દુષ્કાળગ્રસ્તોના નિયમોનો તાકીદે અમલ કરવા, વીજલાઈનોના મુદ્દે ચાર ગણું વળતર આપવા તેમજ ખેડૂતોના પાક ધિરાણને સંપૂર્ણપણે માફ કરવા જેવી માંગણીઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ મુદ્દાઓ પર સરકાર પર દબાણ વધારવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
