જામનગરમાં મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત સરકારના બદલીના આદેશ અન્વયે એક વિશેષ સન્માન અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ આર. કકનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નવનિયુક્ત શાસનાધિકારી ડો. બીનાબેન દવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે બદલી પામેલા શાસનાધિકારી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં રાકેશભાઈ માકડિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાસનાધિકારીઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, ડાયેટના પ્રાચાર્ય સંજયભાઈ જાની તેમજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા તેમજ ડો. બીનાબેન દવે અને શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહની સાથેસાથે 'સેવાના રંગ, રાષ્ટ્રને સંગ' અંતર્ગત યોજાયેલી રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી ટીમના સભ્યો અને સ્પર્ધામાં ભાગ લેનાર વિવિધ ટીમોને સન્માનપત્ર અને ભેટ આપવામાં આવી હતી. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના આચાર્યશ્રીઓ અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના હોદ્દેદારો કે. જી. વાળા, સંજય મેસીયા, સંજય ચાંદ્રા, હેતલબેન પંચમતિયા અને અમીતાબેન વિરાણી સહિતના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
