JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

જામનગરની આઈ.ટી.આઈ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ માંગનાર વિદ્યાર્થીઓને માનસિક પ્રતાડના

Oct 27, 2026 | 16:35 | By JAMNAGAR MIRROR
જામનગરની આઈ.ટી.આઈ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ માંગનાર વિદ્યાર્થીઓને માનસિક પ્રતાડના
જામનગરની આઈ.ટી.આઈ કોલેજમાં પીવાના પાણી અને વોશરૂમ સહિતના મુદો રજૂ કરનાર વિદ્યાર્થીઓની ગેરહાજરી પૂરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. એબીવીપી દ્વારા કરાયેલી રજૂઆત બાદ હવે કોલેજ તંત્ર દ્વારા પક્ષપાત રખાતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જામનગરની આઈ.ટી.આઈ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવનો મામલો અત્યારે ભારે ચર્ચામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા કોલેજની મુખ્ય બિલ્ડિંગમાં પ્રવર્તતી અનેક સમસ્યાઓ અંગે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો ત્વરિત ઉકેલ લાવવાની માંગ કરી હતી.

કોલેજની મુખ્ય બિલ્ડિંગમાં વોશરૂમની નિયમિત સફાઈ ન થવી, પીવાના ચોખ્ખા પાણીની અછત, એક્સપાયર થયેલા ફાયર સેફ્ટી સાધનો અને લાંબા સમયથી બંધ પડેલી લિફ્ટ જેવા ગંભીર પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ રજૂઆતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે હવે કોલેજ સત્તાધીશો દ્વારા પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, રજૂઆતમાં જોડાવવાને કારણે તેમની કોલેજમાં ગેરહાજરી પૂરવામાં આવી રહી છે અને તેમને માનસિક રીતે પણ પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.

પોતાના હક્ક અને પ્રાથમિક સુવિધાઓ માટે અવાજ ઉઠાવનાર છાત્રો સામે જ કોલેજ તંત્ર દ્વારા આ પ્રકારનું વલણ અપનાવવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર વિદ્યાર્થીઓની પાયાની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવશે કે પછી ન્યાય માંગવા ગયેલા વિદ્યાર્થીઓએ જ વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ ગંભીર આક્ષેપો અંગે આગામી દિવસોમાં કોલેજ સત્તાધીશો દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.

LATEST ARTICLES