JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

રાજકોટ રેલવે ડિવિઝનની નવી પહેલ, ટ્રેનમાં સ્પીકર પર સોશિયલ મીડિયા વીડિયો કે ગીતો વગાડ્યા તો થશે દંડ

Oct 27, 2026 | 16:35 | By JAMNAGAR MIRROR
રાજકોટ રેલવે ડિવિઝનની નવી પહેલ, ટ્રેનમાં સ્પીકર પર સોશિયલ મીડિયા વીડિયો કે ગીતો વગાડ્યા તો થશે દંડ
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સગવડને ધ્યાનમાં રાખીને એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે ટ્રેનો અને રેલવે પરિસરમાં મોબાઈલ પર મોટેથી વાતચીત કરવા કે સ્પીકર પર ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નિયમ તોડવા પર 1,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.

સફર દરમિયાન લાઉડ સ્પીકર પર સંગીત સાંભળવાની કે મોટેથી ફોન પર બોલવાની ટેવ ધરાવતા લોકો માટે રાજકોટ રેલવે ડિવિઝન તરફથી કડક સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રેનોમાં તેમજ રેલવે પરિસરમાં મોબાઈલ ફોન અને અન્ય ઓડિયો ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સામાજિક શિષ્ટાચારનું ધ્યાન રાખે. ઘણીવાર જોવા મળે છે કે કેટલાક મુસાફરો સહમુસાફરોની પરવા કર્યા વગર મોબાઈલ પર સ્પીકર મોડ ચાલુ કરીને વીડિયો કે ગીતો વગાડે છે અથવા મોટેથી ફોન પર વાતો કરે છે, જેના કારણે આસપાસ બેઠેલા લોકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાને ગંભીરતાથી લઈને રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોએ હવેથી ઑડિયો સામગ્રી સાંભળવા માટે ફરજિયાતપણે ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ કરવો પડશે અને મોટેથી વાતચીત કરવાનું ટાળવું પડશે. જો કોઈ મુસાફર રેલવેકર્મીઓની સૂચના છતાં પોતાની હરકત ચાલુ રાખશે તો તેને રેલવે અધિનિયમ, 1989 ની કલમ 145 હેઠળ ઉપદ્રવી વર્તન ગણવામાં આવશે. આ નિયમ અંતર્ગત દોષી સાબિત થનાર મુસાફર પાસેથી 1,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી શકે છે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ નિયમો માત્ર સામાન્ય મુસાફરો જ નહીં પરંતુ કુલીઓ અને રેલવેકર્મીઓને પણ લાગુ પાડવામાં આવ્યા છે.

રેલવે તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાનો મુખ્ય હેતુ તમામ મુસાફરોની રેલ યાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુખદ બનાવવાનો છે. લાંબા રૂટની ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે લોકોને આરામની જરૂર હોય છે અને આવા સમયે થતા અવાજથી દર્દીઓ કે વૃદ્ધોને ખૂબ જ પરેશાની થાય છે. રેલવે પ્રશાસને તમામ મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે તેઓ નિયમોનું પાલન કરે અને સહયોગ આપીને રેલવે પ્રવાસને સૌના માટે અનુકૂળ બનાવે.

LATEST ARTICLES