ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં અધિકારીઓની કામગીરી અને સેવાકીય રેકોર્ડની આકરી સમીક્ષા કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વધુ બે ગેસ કેડરના અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ લેવાયેલા આ મોટા નિર્ણયથી રાજ્યના વહીવટી વર્તુળોમાં ફરી એકવાર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સરકારની આ કડક નીતિથી બેદરકાર અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે.
આ કાર્યવાહી અંતર્ગત ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ સોસાયટીમાં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા ડી. આઈ. ભગલાણી અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે. એમ. તુવરને ઘરભેગા કરવાનો આદેશ અપાયો છે. આ બંને અધિકારીઓ ગેસ કેડરના સિનિયર સ્કેલના છે અને રાજ્ય સરકાર દ્વારા 50 થી 55 વર્ષની વયજૂથના અધિકારીઓની કાર્યક્ષમતા તથા સર્વિસ રેકોર્ડનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર અને આળસ ખંખેરીને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આ પ્રકારના પગલાં અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. હાલ તો આ બે મોટા અધિકારીઓ સામે થયેલી કડક કાર્યવાહી બાદ આગામી સમયમાં રડાર પર રહેલા અન્ય અધિકારીઓ સામે પણ ગાજ વરસે તેવી પૂરી શક્યતા છે, જેના પર સમગ્ર વહીવટી જગતની મીટ માંડાઈ છે.
