JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદમાં આઠ શાળાઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી મચી હડકંપ

Oct 27, 2026 | 13:55 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં આઠ શાળાઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી મચી હડકંપ
અમદાવાદ શહેરમાં નામાંકિત શાળાઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવેલા આ મેઈલને કારણે વાલીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને યુનિવર્સિટીની પરીક્ષા પણ થોડીવાર માટે અટવાઈ હતી.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર શૈક્ષણિક સંકુલો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ભારે હડકંપ મચી ગયો હતો. સેટેલાઈટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલય સહિત કુલ 8 જેટલી નામાંકિત શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. છેલ્લા 11 મહિનામાં અમદાવાદની સ્કૂલોને આ પ્રકારે ધમકી મળવાની આ 8મી ઘટના છે, જેના કારણે ગંભીર બનેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી.

આ ધમકીભર્યા ઈ-મેઈલમાં માત્ર શાળાઓ જ નહીં, પરંતુ આગામી 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટને પણ નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી હતી. મેઈલમાં 'બચ્ચન મુંબઈમાં અને દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યા જશે' તેવો ચોંકાવનારો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત સેટેલાઈટની નારાયણ ગુરુ સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં યોજાનારી ગુજરાત યુનિવર્સિટીની એમ.એ. સેમેસ્ટર-3 ની પરીક્ષાને લઈને અંદાજે 750 જેટલા પરીક્ષાર્થીઓને શરૂઆતમાં અટકાવવામાં આવ્યા હતા. જોકે, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરીને કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યા બાદ તમામ પરીક્ષાર્થીઓને સુરક્ષિત રીતે કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ધમકી મોકલનારે ઈ-મેઈલમાં 'બોમ્બ આઈફોન ધમાકા થશે' અને '1985ના દિલ્હી ટ્રાન્ઝિસ્ટર બોમ્બની જેમ આઈફોન ફાટશે' તેવી ડરામણી બાબતો નોંધીને કોર્ટ માટે બપોરે 2:11 વાગ્યાનો, ઓફિસો માટે 3:11 વાગ્યાનો અને મોદી સ્ટેડિયમ માટે રાત્રે 9:11 વાગ્યાનો સમય દર્શાવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જે શાળાઓને મેઈલ મળ્યા હતા તેમને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અને સલામતીના ભાગરૂપે બાળકોને સુરક્ષિત બહાર કાઢી વાલીઓને સોંપવા આદેશ કર્યો હતો. આ ઇ-મેઇલના અંતે 'ખાલિસ્તાન નેશનલ આર્મી' અને 'બબ્બર ખાલસા' જેવા સંગઠનોના નામ લખાયા છે, ત્યારે હાલ પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમો સંયુક્ત રીતે આ ગંભીર ધમકી પાછળ કોનો હાથ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

LATEST ARTICLES