ચોટીલામાં વીજતંત્રનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. PGVCLના ગ્રામ્ય સબ ડિવિઝન-2માં ફરજ બજાવતા હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજિયાને ACBએ ₹60 હજારની લાંચ સ્વીકારતાં ઝડપી પાડ્યો છે. વીજમીટર પુન:સ્થાપિત કરવાના બદલામાં કુલ ₹70 હજારની કથિત માંગણી કરવામાં આવી હતી, જેના આધારે ACBએ સફળ છટકું ગોઠવીને આ ભ્રષ્ટ કર્મચારીને સકંજામાં લીધો છે. આ ઘટનાથી સ્થાનિક વીજ કચેરીમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ કાર્યવાહી બાદ લોકમુખે એવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે કે પકડાયેલો કર્મચારી તો માત્ર એક નાની ‘માછલી’ છે અને રવિવારની રજા હોવાના કારણે મોટા ‘મગરમચ્છો’ હાલ પૂરતા બચી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ACBને તપાસ દરમિયાન કેટલાક મહત્વના રેકોર્ડ આધારિત પુરાવા પણ મળ્યા છે. આરોપીના મોબાઈલની તપાસ, કોલ ડિટેઇલ્સ અને પરસ્પરની વાતચીતના રેકોર્ડની કાયદેસર તપાસ કરવામાં આવે તો આ લાંચની રકમ અસલમાં કોના કહેવાથી લેવાઈ હતી અને તેમાં બીજા કોની સંડોવણી છે તેવા કાળા કારનામા બહાર આવી શકે તેમ છે.
ચોટીલા PGVCL કચેરી-2ના એક અધિકારી સામે અગાઉ પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી હોવાની અને મામલો દબાવવાના પ્રયાસો થયા હોવાના ગંભીર આક્ષેપો પણ ચર્ચાઈ રહ્યા છે. હવે આ કેસમાં ACBની તપાસ માત્ર પકડાયેલા હેલ્પર પૂરતી મર્યાદિત રહે છે કે પછી આગળ વધીને અન્ય સંભવિત કડીઓ સુધી પહોંચે છે તે જોવાનું રસપ્રદ રહેશે. જો તપાસ પારદર્શક રીતે આગળ વધે તો અગાઉની ફરિયાદો અને દસ્તાવેજોની ચકાસણીથી સાચો ચહેરો બહાર આવશે અને ભ્રષ્ટાચાર આચરનારા અસલી ગુનેગારો પણ કાયદાના શિકંજામાં આવી શકશે.
