આજે 27 ઓક્ટોબર 2026ના રોજ ઇઝરાયલના ઇતિહાસની સૌથી નિર્ણાયક સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. દેશભરના મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને આશરે 73 લાખથી વધુ નોંધાયેલા નાગરિકો નક્કી કરી રહ્યા છે કે બેન્જામિન નેતન્યાહૂ વડાપ્રધાન તરીકે યથાવત રહેશે કે પછી દેશને નવું નેતૃત્વ મળશે. આ ચૂંટણી માત્ર સામાન્ય સત્તાની લડાઈ નથી, પરંતુ તેને નેતન્યાહૂના રાજકીય અસ્તિત્વ સામેના સીધા જનમતસંગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. સત્તા ગુમાવવાની સ્થિતિમાં તેમના પર ભૂતકાળના નિર્ણયો અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતાઓ અંગે કાનૂની સવાલો ઊભા થઈ શકે છે, કારણ કે તેઓ લાંબા સમયથી ભ્રષ્ટાચારના કેસોનો સામનો કરી રહ્યા છે અને વડાપ્રધાન પદ તેમને આ પડકારો સામે મોટું રક્ષણ પૂરતું પાડે છે.
ચૂંટણીને નિષ્પક્ષ અને સરળતાથી પાર પાડવા માટે ઇઝરાયલની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવી છે, જેની પાછળ આશરે 690 મિલિયન ઇઝરાયેલી શેકેલ (NIS) નો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ પાત્ર મતદારોની સંખ્યા આશરે 73,31,981 છે, જે દેશની કુલ 1.03 કરોડની વસ્તીના લગભગ 71.15 ટકા જેટલી છે અને સુરક્ષિત મતદાન માટે દેશભરમાં 12,018 મતદાન મથકો ઊભાં કરાયાં છે જે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ઇઝરાયેલની 120 બેઠકો ધરાવતી સંસદ એટલે કે નેસેટમાં સરકાર બનાવવા માટે કોઈપણ ગઠબંધનને ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર પડે છે, અને ઇઝરાયલની પ્રમાણસર પ્રતિનિધિત્વની ચૂંટણી પ્રણાલી તથા 3.25 ટકાના વોટ શેરના નિયમને કારણે હંમેશાં ગઠબંધન સરકારો જ રચાય છે.
ઓક્ટોબર 2026 સુધીમાં અલગ-અલગ સમયગાળા દરમિયાન કુલ મળીને આશરે 19 વર્ષ સુધી વડાપ્રધાન રહેનાર નેતન્યાહૂ ઇઝરાયેલના ઇતિહાસના સૌથી લાંબો સમય શાસન કરનાર નેતા છે, પરંતુ હાલના સર્વેક્ષણો મુજબ તેમના વિરોધી અને સમર્થક જૂથો વચ્ચે કાંટાની ટક્કર છે જેમાં વિરોધી ગઠબંધનને 51 થી 55 અને સમર્થક જૂથને 48 થી 51 બેઠકો મળવાનો અંદાજ છે. મતદાન પૂરું થતાં જ રાત્રે 10 વાગ્યે એક્ઝિટ પોલ સામે આવશે, બુધવારની સવાર સુધીમાં પ્રારંભિક વલણો દેખાશે અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આગામી 4 નવેમ્બર, 2026ના રોજ સત્તાવાર અંતિમ પરિણામો જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીના પરિણામો માત્ર નેતન્યાહૂનું ભવિષ્ય જ નહીં, પરંતુ ગાઝા સંઘર્ષ અને મધ્યપૂર્વની સમગ્ર પ્રાદેશિક સુરક્ષાને પણ લાંબા સમય સુધી પ્રભાવિત કરશે.
