કર્ણાટકમાં મતદાર યાદીને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન મોટી વહીવટી લાપરવાહી સામે આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ શનિવારે એક સ્પષ્ટતા જારી કરીને સ્વીકાર્યું છે કે, મતદાર અરજીઓની પ્રક્રિયામાં થયેલી પ્રક્રિયાગત ભૂલોના કારણે ડુપ્લિકેટ વોટર આઈડી (EPIC) જનરેટ થયા છે અને કેટલાક મતદારોના નામ બે અલગ-અલગ વિધાનસભા મતવિસ્તારની યાદીમાં એકસાથે બોલતા જોવા મળ્યા છે. ચૂંટણી પંચના આ ખુલાસાથી રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ ગરબડ પાછળ મુખ્યત્વે બે મોટી ટેકનિકલ અને પ્રશાસનિક ખામીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પ્રથમ કિસ્સામાં, કેટલાક નાગરિકો દ્વારા સિટિઝન સર્વિસ પોર્ટલ પર ફોર્મ-૬ ની બહુવિધ અરજીઓ સબમિટ કરવામાં આવી હતી. આ અરજીઓનું સ્વતંત્ર રીતે પરિક્ષણ થવાને કારણે એક જ મતદાતા માટે અનિચ્છનીય રીતે અલગ-અલગ વોટર આઈડી નંબર જનરેટ થઈ ગયા હતા. જ્યારે બીજા કિસ્સામાં, જે મતદારોએ પોતાના સરનામા બદલવા માટે ફોર્મ-૮ ભરીને મંજૂરી મેળવી લીધી અને નવા મતવિસ્તારમાં નામ જોડી દીધા, તેમના જૂના મતવિસ્તારમાંથી નામ રદ કરવા માટેના ફોર્મ-૭ સમયસર પ્રક્રિયા હેઠળ ન આવવાને કારણે તેઓ બંને જગ્યાની મતદાર યાદીમાં સક્રિય રહ્યા હતા.
ચૂંટણી તંત્ર દ્વારા આ ગંભીર ત્રુટિઓને ગંભીરતાથી લઈને તમામ મામલાઓને સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ, વધારાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી રજીસ્ટ્રેશન અધિકારીઓ તરફ મોકલી આપવામાં આવ્યા છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ આ ડુપ્લિકેટ એન્ટ્રીઓની ખરાઈ કરીને તાત્કાલિક સુધારણાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે, મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે આ ખામીથી કુલ કેટલા મતદારો પ્રભાવિત થયા છે અથવા અંતિમ સુધારણા ક્યા સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી યાદીના પ્રકાશન અગાઉના કાનૂની પ્રતિબંધોને કારણે સુધારણામાં થોડો વિલંબ થયો હોવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
