દસ વર્ષ પહેલાં, ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ સરકારે કાળું નાણું ડામવા, નકલી ચલણ નાબૂદ કરવા અને આતંકવાદી ભંડોળને રોકવાના મહાત્વાકાંક્ષી લક્ષ્યો સાથે ચલણમાં રહેલી ૮૬.૪ ટકા નોટોની માન્યતા રદ કરી હતી. જોકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ રદ કરાયેલી નોટોમાંથી ૯૯.૩ ટકા રકમ બેંકિંગ સિસ્ટમમાં પાછી ફરી હતી, જે દર્શાવે છે કે કાળા નાણાંનો મોટો હિસ્સો નાબૂદ થવાની ધારણા ફળી નહોતી. નોટબંધી અગાઉના નાણાકીય વર્ષ ૨૦૧૬માં ચલણમાં રહેલું કુલ રોકડ નાણું ૧૬.૬ લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ૨.૬ ગણું વધીને ૪૩.૨ લાખ કરોડ રૂપિયાના જંગી આંકડાને સ્પર્શી ગયું છે.
આર્થિક મોરચે પણ નોટબંધી ધારણા મુજબના પરિણામો લાવવામાં વાણીવડ સાબિત થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૦૬થી ૨૦૧૬ વચ્ચે સરેરાશ જીડીપી વૃદ્ધિ દર ૬.૮ ટકા હતો, જે નોટબંધી પછીના દાયકામાં ઘટીને ૬ ટકા જેટલો રહ્યો છે, જોકે તેમાં કોવિડ મહામારીનો પ્રભાવ પણ મુખ્ય કારણ રહ્યો હતો. જીડીપીના પ્રમાણમાં કરની આવકનો વૃદ્ધિદર પણ અપેક્ષિત સ્તરે સુધર્યો નથી અને ટેક્સ-ટુ-જીડીપી રેશિયોમાં માત્ર નજીવો વધારો જ જોવા મળ્યો છે. અર્થતંત્રને કેશલેસ બનાવવાના પ્રયાસરૂપે સરકારે ડિજિટલ અને ઓછી રોકડ આધારિત વ્યવહારો પર ભાર મૂક્યો હતો, પરંતુ આર્થિક આંકડા સાક્ષી પૂરે છે કે સામાન્ય જનતા આજે પણ ડિજિટલ માધ્યમોની સાથે રોકડ વ્યવહારોને પણ એટલું જ પ્રાધાન્ય આપી રહી છે.
વર્તમાન સમયમાં યુપીઆઈ (UPI) વ્યવહારોમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે અને તેણે સરકારી કલ્યાણકારી યોજનાઓના અમલીકરણને અત્યંત સરળ બનાવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ડિજિટલ પેમેન્ટના આ વ્યાપક સ્વીકાર અને ઉપયોગ છતાં, જીડીપીના હિસ્સા તરીકે રોકડ ચલણનું મૂલ્ય લગભગ સ્થિર રહ્યું છે અને નાણાકીય વર્ષ ૨૦૨૬માં તે ૧૨ ટકા સુધી પહોંચી ગયું છે, જે નોટબંધી અગાઉના સ્તરની આસપાસ જ છે. ભારતના આર્થિક ઇતિહાસમાં ૧૯૪૬ અને ૧૯૭૮માં પણ નોટબંધીના પ્રયોગો થયા હતા, પરંતુ ૨૦૧૬ની નોટબંધીનું કદ અને વ્યાપ સૌથી મોટો હતો. આમ, દાયકા પછીના પરિણામો પર નજર કરીએ તો, કાળા નાણાંને નાથવાના મૂળ ઉદ્દેશ્ય સામે રોકડનું ચલણ અઢી ગણું વધી જવું એ એક ગંભીર આર્થિક વિસંગતતા દર્શાવે છે.
