અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે બ્રાઝિલની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. બ્રાઝિલમાં લુઇસ ઇનાસિયો લુલા ડા સિલ્વા સામે ટ્રમ્પના સાથી ગણાતા અને જમંતી પાંખના નેતા ફ્લેવિઓ બોલસોનારોની હાર થઈ છે. આ ચૂંટણી પરિણામો સામે આવતા જ ટ્રમ્પે જાહેરમાં બ્રાઝિલની ચૂંટણીને રિગ્ડ અને ખૂબ જ ભ્રષ્ટ હોવાનો દાવો કર્યો છે. વોશિંગ્ટનથી એક કેમ્પેઈન રેલી માટે નીકળેલા ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આ ચૂંટણી દુનિયા સામે ખૂબ જ ખરાબ દેખાવ સમાન હતી અને તેમને આ ચૂંટણીમાં કોઈ ગરબડ હોવાની શંકા ગઈ છે.
આ ચૂંટણીમાં હારેલા ફ્લેવિઓ બોલસોનારો એજ ફોર્મર પ્રેસિડેન્ટ જાયર બોલસોનારો ના 45 વર્ષના પુત્ર છે, જેમણે ચૂંટણી પરિણામો રદ કરવાની માંગ કરી છે. ટ્રમ્પે પોતે પણ વર્ષ 2020 ની પોતાની પ્રેસિડેન્ટ ચૂંટણીમાં હારને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને તેને પણ રિગ્ડ ગણાવી હતી. ટ્રમ્પે બ્રાઝિલમાં ભલે કોઈ સત્તાવાર સમર્થન ન કર્યું હોય, પરંતુ તેઓ જાહેરમાં બોલસોનારો પરિવારના સમર્થક રહ્યા છે અને લેટિન અમેરિકામાં કન્ઝર્વેટિવ નેતાઓની જીતની આશા રાખી રહ્યા હતા. જોકે, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ મામલે કોઈ પગલાં લેવાના છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ બ્રાઝિલ માટે નહીં પરંતુ યુએસએ માટે લડી રહ્યા છે અને આ મામલે તેઓ કોઈ એક્શન લેવાના નથી.
એક તરફ ટ્રમ્પે બ્રાઝિલની ચૂંટણી પ્રક્રિયા અને વોટિંગના સમય લંબાવવા સામે નારાજગી વ્યક્ત કરી, તો બીજી તરફ તેમણે બ્રાઝિલના નવા વિજેતા લુલા સાથેના પોતાના સંબંધોની પણ સરાહના કરી હતી. 80 વર્ષના ટ્રમ્પ અને લુલા વચ્ચે વ્યાપારિક સંબંધોમાં ઉતાર-ચઢાવ છતાં સારી કેમિસ્ટ્રી રહી છે. ટ્રમ્પે અગાઉ એવું પણ ગર્વથી કહ્યું હતું કે તેમની સરકારે લેટિન અમેરિકાનું રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે અને ત્યાંના મોટાભાગના દેશોમાં કન્ઝર્વેટિવ નેતાઓ સત્તામાં આવી રહ્યા છે. હાલ તો ટ્રમ્પના આ નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે.
