દેશના ટેલિકોમ માર્કેટમાં હવે આકાશમાંથી ઇન્ટરનેટ આપવાની એટલે કે સેટકોમ (સેટેલાઇટ કોમ્યુનિકેશન) ની રેસ જામી રહી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને સુનીલ મિત્તલની એરટેલ જેવી દિગ્ગજ કંપનીઓ આ સેક્ટરમાં પોતાના પ્લાન તૈયાર કરી રહી છે, ત્યારે એલન મસ્કની સ્ટારલિંક જેવી વિદેશી કંપનીઓ પણ ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવા માટે ઉત્સુક છે. રિલાયન્સ જિયો પોતાના આઈપીઓ અને સેટેલાઇટ વેન્ચરની તૈયારીઓમાં છે, ત્યારે અંબાણી અને મસ્ક જેવા અબજોપતિઓ વચ્ચેનો આ મુકાબલો ખૂબ જ રસપ્રદ બની રહ્યો છે. જોકે, આ ગેસ હજી શરૂ પણ નથી થઈ ત્યાં બિઝનેસમેન અને પોલિસીમેકર્સ માટે રસ્તા એટલા સહેલા નથી દેખાઈ રહ્યા.
આ યોજનાના આંકડાઓ પર નજર કરીએ તો, રિલાયન્સ જિયો દેશના 6 લાખ ગામડાઓ અને દૂરના વિસ્તારોને જોડવા માટે અંદાજે 1,600 સેટેલાઇટ્સ અને 23 અર્થ સ્ટેશન્સનું નેટવર્ક ઊભું કરવાનું આયોજન કરી રહી છે, પાછળ 10 થી 15 બિલિયન ડોલરનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. તો સામે પક્ષે ભારતી એરટેલ પણ યુકે અને અમેરિકન કંપનીઓ સાથે ભાગીદારી કરીને 635 સેટેલાઇટ્સનું નેટવર્ક બનાવીને ટક્કર આપવા તૈયાર બેઠી છે. બીજી તરફ, સ્ટારલિંક હોમ યુઝર્સ પાસેથી પ્રતિ માસ 50 થી 120 ડોલર એટલે કે અંદાજે 4,700 થી 11,000 રૂપિયા ચાર્જ વસૂલે છે, જે ભારતના સામાન્ય ઘરના બજેટમાં ફીટ બેસવું ખૂબ મુશ્કેલ છે. આ ઉપરાંત, આ ક્ષેત્રમાં સ્પેસએક્સ પર 29 બિલિયન ડોલરનું મોટું દેવું પણ છે, જ્યારે જિયો પર હાલ માત્ર 1 બિલિયન ડોલરથી થોડું જ વધારે દેવું છે.
અગાઉના સમયના ઇતિહાસ પર નજર કરીએ તો 1999માં આઇરિડિયમ નામનું અમેરિકન સેટેલાઇટ વેન્ચર ફેલ થઈને બેંકરપ્ટ થઈ ગયું હતું અને મોટોરોલા કંપની પણ મુશ્કેલીમાં મુકાઈ હતી. ભારતમાં પણ એન્ટ્રિક અને દેવસ મલ્ટીમીડિયા વચ્ચેનો વિવાદ આજ સુધી કાનૂની અને આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે, જેમાં આર્બિટ્રલ અવોર્ડ હેઠળ ભારે વ્યાજ સાથે ચુકાદાઓ આવ્યા છે. આ તમામ જૂના કડવા અનુભવો અને આર્થિક જોખમો જોતાં એટલું ચોક્કસ છે કે આકાશમાં સેટકોમની આ લડાઈ કોઈ ફૂલોની સેજ નથી, પરંતુ બેંકો, સરકાર, ટ્રાઈ અને ટેલકોમ કંપનીઓ માટે એક ખતરનાક માઈનફિલ્ડ જેવી સાબિત થઈ શકે છે.
