રોશની અને ઉત્સાહના પર્વ દિવાળીની પૂર્વ સંધ્યાએ સુરત શહેર માટે અકસ્માત અને ચિંતાનો માહોલ લઈને આવી હતી. ૭ નવેમ્બરના રોજ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ફટાકડા ફોડતી વખતે ઉડેલા તણખલા અને વીજળીના શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળવાની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. દિવાળીની આ ખાસ રાત્રે સુરત ફાયર બ્રિગેડ વિભાગના કંટ્રોલ રૂમમાં આગ સંબંધિત કોલની વણઝાર લાગી ગઈ હતી, અને માત્ર એક જ રાત્રે આગના આશરે ૨૫ જેટલા ઇમરજન્સી કોલ મળતા ફાયર વિભાગ પણ દોડતું થઈ ગયું હતું.
શહેરના પોશ વિસ્તારો ગણાતા વેસુ અને સિટી લાઈટ વિસ્તારની ઊંચી હાઈરાઈઝ બિલ્ડિંગોથી લઈને સામાન્ય રહેણાક વિસ્તારો સુધી આગના બનાવો નોંધાયા હતા. આ ઉપરાંત, જહાંગીરપુરા અને મોટા વરાછા જેવાી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તો ફટાકડાના પ્રકોપથી રસ્તા પર પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ સ્થિતિમાં વરાછા વિસ્તારમાં અચાનક ગેસ લીકેજ થવાની એક ગંભીર ઘટના પણ સામે આવી હતી, જેના કારણે આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારો અને ખુલ્લા પ્લોટોમાં પણ ફટાકડાના કારણે આગ લાગવાથી સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી હતી. જો કે, આ તમામ કટોકટીભરી પરિસ્થિતિમાં સુરત ફાયર બ્રિગેડની ટીમોએ અસાધારણ તત્પરતા દાખવી હતી અને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અલગ-અલગ સ્થળો પર દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. જહેમત બાદ તમામ જગ્યાએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રાહતની વાત એ રહી કે આટલી મોટી સંખ્યામાં આગના બનાવો બનવા છતાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર ન મળતા પ્રશાસન અને નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો.
