ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચાવનાર વર્ષ ૨૦૧૮ના કુખ્યાત કેપટાઉન ટેસ્ટ વિવાદ એટલે કે 'સૅન્ડપેપરગેટ' કાંડને લઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાઝાએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ખ્વાઝાએ તેમની આગામી પુસ્તક 'સબ્ર' અને સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયો દ્વારા સ્પષ્ટ કર્યું છે કે બોલ-ટેમ્પરિંગની આ ઘટના પાછળ માત્ર બે-ત્રણ ખેલાડીઓ નહીં, પરંતુ આખી ઓસ્ટ્રેલિયન ટીમની સંડોવણી હતી. આ વિવાદ બાદ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેન્ક્રાફ્ટ પર આકરા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા અને તેઓએ જ દુનિયાભરનો ગુસ્સો તથા 'ચીટર'નું કલંક એકલાએ સહન કરવું પડ્યું હતું, જ્યારે બાકીની સમગ્ર ટીમ કોઈપણ પ્રકારની સજા વગર બચી નીકળી હતી.
ખ્વાઝાએ ખુલાસો કર્યો હતો કે તેમણે અગાઉ વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૧માં પણ આ સત્ય બહાર લાવવાનો અનેકવાર પ્રયાસ કર્યો હતો. પરંતુ ૨૦૧૮માં તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથે સમગ્ર ટીમનું રક્ષણ કરવા માટે બધો જ દોષ પોતાના માથે લઈ લીધો હતો, જ્યારે ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયન બોલિંગ જૂથે આ મામલે અજાણ હોવાનો દાવો કર્યો હતો. તે સમયે ટીમનું આંતરિક વાતાવરણ ન બગડે અને ડ્રેસિંગ રૂમની એકતા જળવાઈ રહે તે માટે ઉસ્માન ખ્વાઝા સહિતના અન્ય ખેલાડીઓએ પણ ચૂપ રહેવું પડ્યું હતું, જેના કારણે નિર્દોષ મિત્રો વર્ષો સુધી અન્યાયનો ભોગ બનતા રહ્યા.
પોતાના પુસ્તકના પ્રકાશન અને તેના સમયને લઈને ઉઠી રહેલા સવાલોનો જવાબ આપતા ખ્વાઝાએ સ્પષ્ટતા કરી હતી કે જો તેમનો હેતુ માત્ર પુસ્તક વેચવાનો કે વ્યાપારી લાભ મેળવવાનો જ હોત, તો તેઓ ઓસ્ટ્રેલિયાના તાજેતરના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન જ તેને લોન્ચ કરી શક્યા હોત. તેમણે ટીમનું ધ્યાન ભટક ન જાય તે માટે પ્રવાસ પૂરો થવાની રાહ જોઈ હતી. ખ્વાઝાએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખુલાસો કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈના પર નવો દોષનો ટોપલો ઢોળવાનો નથી, પરંતુ છેલ્લા આઠ વર્ષથી અન્યાય સહન કરી રહેલા પોતાના ત્રણ મિત્રોને સાચો ન્યાય અપાવવાનો અને સત્યને દુનિયા સમક્ષ લાવવાનો છે.
