JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

સુરેન્દ્રનગરમાં PGVCLના દરોડા, 31 ટીમોએ પકડી ₹20.30 લાખની વીજ ચોરી

Oct 26, 2026 | 20:16 | By JAMNAGAR MIRROR
સુરેન્દ્રનગરમાં PGVCLના દરોડા, 31 ટીમોએ પકડી ₹20.30 લાખની વીજ ચોરી
સુરેન્દ્રનગર પંથકમાં વીજ ચોરો સામે PGVCLએ સકંજો કસ્યો છે. ખાસ 31 ટીમોએ નગરા, થાન અને વઢવાણ સહિતના વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને લાખોની વીજ ચોરી પકડી પાડી છે, જેનાથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરી કરતા ઈસમો સામે હવે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ એટલે કે PGVCL એકદમ આક્રમક મૂડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા વીજ ચોરી ડામવા માટે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાભરમાંથી એક જ દિવસમાં લાખો રૂપિયાની ગેરકાયદે વીજ ચોરી પકડાઈ છે. અચાનક પડેલા આ દરોડાના કારણે વીજ ચોરી કરતા લોકોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.

આ કાર્યવાહી માટે PGVCLની સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા એન્જિનિયરો અને ટેક્નિકલ સ્ટાફની ખાસ 31 અલગ-અલગ ફ્લાઈંગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ પોલીસ પ્રોટેક્શન કે સ્થાનિક સપોર્ટ સાથે સુરેન્દ્રનગરના સંવેદનશીલ ગણાતા વિસ્તારો જેવા કે નગરા, રામપરા, થાન અને વઢવાણ સહિતના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ટીમોએ ઘરેલું, કમર્શિયલ, ખેતીવાડી તેમજ લઘુ ઉદ્યોગોના વીજ કનેક્શનોનું સ્થળ પર જ ઝીણવટપૂર્વક ટેક્નિકલ પરીક્ષણ કર્યું હતું.

તપાસ દરમિયાન બહાર આવ્યું કે કેટલાક ચાલાક લોકો મીટરમાં ભારે ગેરરીતિ કરતા હતા, તો કેટલાક મીટર બાયપાસ કરીને કે પછી ડાયરેક્ટ વાયરમાં લંગરિયા નાખીને વીજળી ખેંચતા હતા. ટીમોએ આ બધું રંગેહાથ ઝડપી લીધું હતું અને સ્થળ પર જ ગેરકાયદેસર વીજ વાયરો તેમજ અન્ય સાધનો જપ્ત કરી લીધા હતા. આ ગેરરીતિ બદલ સંબંધિત વીજ વપરાશકારોને કુલ ₹20.30 લાખના ભારેખમ દંડના બિલો ફટકારવામાં આવ્યા છે.

તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ પ્રકારના સરપ્રાઈઝ ચેકિંગ સતત ચાલુ જ રહેશે. વીજ લાઈન પરનું લોડિંગ સંતુલિત રાખવા અને કંપનીને થતું આર્થિક નુકસાન અટકાવવા માટે આ પગલાં અનિવાર્ય છે. નિયમ તોડનારા સામે માત્ર દંડ ફટકારીને નહીં અટકાય, પરંતુ જરૂર જણાશે તો પોલીસ સ્ટેશનમાં સખત ફરિયાદ નોંધાવવા સુધીના કડક પગલાં પણ લેવામાં આવશે.

LATEST ARTICLES