મુંબઈના માહિમ જેવા વ્યસ્ત વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અત્તર વેચીને સામાન્ય જીવન જીવતો દેખાતો એક શખ્સ અંદરખાને ખતરનાક ખેલ રમી રહ્યો હતો. મહારાષ્ટ્રની ATS ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને 33 વર્ષના મોહમ્મદ હસન અબુ સરમદ અખ્તર નામના શખ્સની ધરપકડ કરી છે. ATSની તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો અને સોશિયલ મીડિયા પર દેશ વિરોધી ઝેર ઓકી રહ્યો હતો. પકડાયેલ આરોપી લોકોની નજરમાંથી બચવા માટે અત્તર વેચવાનું કામ કરતો હતો અને રાત્રે બીજે ક્યાંક નોકરી કરતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય.
તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેશનના સંપર્કમાં હતો અને ટેલિગ્રામ પર "IBN E Qasim" તેમજ 'Indian Muslim' જેવા રેડિકલ ગ્રુપ સાથે જોડાયેલો હતો. તે ટેલિગ્રામ પર જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહરની બાબરી મસ્જિદ સંબંધિત ભડકાઉ ઓડિયો ક્લિપ શેર કરતો હતો અને અલગ-અલગ ધર્મો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાનું કામ કરતો હતો. એટલું જ નહીં, તેણે X અને Instagram પર "અબ જિહાદ કા જમાના આ ગયા હૈ" જેવા ભડકાઉ મેસેજ મૂકીને હિંસા ભડકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. થોડા સમય પહેલા જ્યારે PM મોદીના મુંબઈ પ્રવાસ દરમિયાન સુરક્ષા ચૂકનો મામલો ચર્ચામાં આવ્યો હતો, ત્યારે આ શખ્સે એક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે "કુછ કરાના થા ઇન્દિરા ગાંધી કી તરહ PM મોદી કો ભી ભાઈ લોગ", જે સીધેસીધી હત્યાની ધમકી સમાન હતી.
આરોપી પાસેથી પોલીસે એક Redmi Note 14 Pro મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તેની સોશિયલ મીડિયા ગતિવિધિઓના 39 જેટલા સ્ક્રીનશૉટ્સ પુરાવા તરીકે એકત્ર કર્યા છે. પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1) હેઠળ જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા બદલ ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે જ્યારે તેના પાડોશીઓ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે છેલ્લા 3 થી 3.5 વર્ષથી ભાડાના ફ્લેટમાં રહેતો આ માણસ ક્યારેય આવું કંઈક કરી શકે છે તેનો કોઈ અંદાજ નહોતો, કારણ કે તે સામાન્ય રીતે અત્તર વેચતો નજરે પડતો હતો અને કોઈને તેની ઉપર ક્યારેય શંકા ગઈ નહોતી.
