મુંબઈના ધબકારા સમાન લોકલ ટ્રેન વ્યવહારને આજે મોટો ફટકો પડ્યો હતો. સવારે 10.00 વાગ્યાની આસપાસ કાંજુરમાર્ગ સ્ટેશન પાસે અચાનક આગ ફાટી નીકળતાં સેન્ટ્રલ રેલવેનું સમગ્ર નેટવર્ક ખોરવાઈ ગયું હતું. આ દુર્ઘટનાને કારણે થાણે અને વિક્રોલી વચ્ચેની સિગ્નલ સિસ્ટમ ધ્વસ્ત થઈ ગઈ હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે તે પહેલાં મુલુંડ અને થાણે વચ્ચે ઓવરહેડ વાયરમાં ટેક્નિકલ ફોલ્ટ પણ સર્જાયો હતો, જેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં બેવડો વધારો થયો હતો. અઠવાડિયાના પહેલા જ દિવસે નોકરી-ધંધે નીકળેલા લાખો મુસાફરો ટ્રેનો મોડી પડવાને કારણે ભારે પરેશાન થઈ ગયા હતા. સ્લો અને ફાસ્ટ બંને લાઈનો પર ટ્રેનો અટકી જતાં સ્ટેશનો પર ભારે ભીડ જામી ગઈ હતી અને ટ્રેનો અંદાજે 5 કલાકથી વધુ સમય સુધી થંભી રહી હતી.
કલાકો સુધી ટ્રેનો પ્લેટફોર્મ પર કે વચ્ચે જ ઊભી રહેતા અને કોઈ જ હિલચાલ ન દેખાતા આખરે કંટાળેલા મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો. અનેક મુસાફરો જીવનું જોખમ ખેડીને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા અને રેલવે પાટા પર જ ચાલવા લાગ્યા હતા, જેથી નજીકના સ્ટેશને પહોંચી શકાય. બીજી તરફ રેલવે એડમિનિસ્ટ્રેશન દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેબલ બદલવાની કામગીરીમાં લાંબો સમય લાગે તેમ હોવાથી સેન્ટ્રલ રેલવેનું ટ્રાફિક સામાન્ય થવામાં મોડી રાત સુધીનો સમય લાગી શકે તેવી શક્યતા છે.
ખાસ કરીને, સેન્ટ્રલ રેલવે દ્વારા મેન્ટેનન્સના કામ માટે ગઈકાલે જ મોટો મેગા બ્લોક લેવામાં આવ્યો હતો, અને તેના બરાબર બીજા જ દિવસે આ પ્રકારની મોટી ટેક્નિકલ નિષ્ફળતા સામે આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ સવાલ પૂછી રહ્યા છે કે આટલા મોટા બ્લોક બાદ પણ આટલી મોટી ખામી કેમ સર્જાઈ? હાલ રેલવે ટીમ દ્વારા સ્થિતિ થાળે પાડવાના પૂરતા પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ મુંબઈની આ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ્પ થવાથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
