નવી દિલ્હીથી સામે આવેલા એક મોટા સમાચાર મુજબ હવે દાંતના દર્દીઓએ દવા લેતી વખતે કે ડોક્ટર પાસે જતી વખતે કેટલાક ખાસ ફેરફારો જોવા મળશે. નેશનલ ડેન્ટલ કમિશન દ્વારા એક મહત્વપૂર્ણ પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નિયમ આવ્યા પછી હવે દેશભરના તમામ ડેન્ટિસ્ટ માટે તેમના પ્રિસ્ક્રિપ્શનમાં કેટલીક વિગતો લખવી સાવ ફરજિયાત બની ગઈ છે. જે રીતે જનરલ એમબીબીએસ ડોક્ટરો માટે નિયમો હોય છે, તે જ તર્જ પર હવે ડેન્ટલ પ્રેક્ટિશનરો માટે પણ કડક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
નવા નિયમ અનુસાર હવે કોઈપણ ડેન્ટિસ્ટ દર્દીને દવા કે સારવાર માટે જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે, તેમાં ડોક્ટરનું પૂરું નામ, તેમની ડેન્ટલ ક્વોલિફિકેશન એટલે કે ડિગ્રી, જે તે રાજ્યની સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલ દ્વારા અપાયેલો રજિસ્ટ્રેશન નંબર અને ક્લિનિક કે હોસ્પિટલનું પિનકોડ સાથેનું પૂરું એડ્રેસ સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ. આ બધી વિગતો કાં તો પ્રિન્ટેડ હોવી જોઈએ અથવા જો સાદું પેડ હોય તો ડોક્ટરની સહી સાથે સિક્કો મારવો પણ અનિવાર્ય રહેશે. આ સાથે જ પ્રિસ્ક્રિપ્શનમાં ઈમર્જન્સી કોન્ટેક્ટ નંબર અને ડોક્ટરની મેન્યુઅલ અથવા ડિજિટલ સિગ્નેચર હોવી પણ એટલી જ જરૂરી છે.
સામાન્ય રીતે જોવા મળતું હતું કે ઘણી ફાર્મા કંપનીઓ પોતાની દવાઓના પ્રચાર માટે ડોક્ટરોને પ્રિન્ટેડ પેડ્સ સ્પોન્સર કરતી હતી અને ડોક્ટરો તેના પર જ પ્રિસ્ક્રિપ્શન લખી આપતા હતા. પરંતુ હવે નેશનલ ડેન્ટલ કમિશને આ બાબતે સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે કોઈ પણ ડેન્ટિસ્ટ ફાર્મા કંપનીઓ દ્વારા અપાતા આવા સ્પોન્સર્ડ કે પેડ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી શકશે નહીં. કમિશનના આ કડક આદેશથી ડેન્ટલ પ્રેક્ટિસમાં વધુ પારદર્શિતા આવશે અને દર્દીઓને પણ સાચા અને ક્વોલિફાઈડ ડોક્ટર પાસે સારવાર મળી રહી છે તેની ખાતરી થશે.
