કેન્યામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં નેશનલ હાઈવે પર એક બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 22 જેટલા નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે રસ્તા પર ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેને તુરંત જ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે રીતે ઘાયલોની હાલત ગંભીર છે તેને જોતા આગામી સમયમાં મૃતકોનો આંકડો વધી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, આ તમામ કમનસીબ મુસાફરો એક અંતિમ સંસ્કારમાં સામેલ થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં જ કાળ બનીને આવેલી ટ્રકે તેમની બસને જોરਦાર ટક્કર મારી હતી. આ અકસ્માત કેવી રીતે અને કઈ ભૂલના કારણે સર્જાયો તેની ચોક્કસ માહિતી હજુ સુધી સામે નથી આવી, પરંતુ ઘટનાસ્થળના દ્રશ્યો ખૂબ જ ડરામણા હતા. કાઉન્ટી કમિશનર અબ્દુલ્લાહી ખલીફે પણ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે સ્થિતિ ઘણી ગંભીર છે અને મૃત્યુઆંક વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ જ નેશનલ હાઈવે પર છેલ્લા 3 અઠવાડિયામાં આ બીજી મોટી ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ અગાઉ પણ આ જ હાઈવે પર થયેલા એક અકસ્માતમાં 17 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. નોંધનીય છે કે આ વ્યસ્ત હાઈવે દેશની રાજધાની નાઈરોબીને મોમ્બાસા શહેર સાથે જોડે છે, જ્યાં અગાઉ પણ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. હાલ તો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો સાજા થઈ જાય તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે.
