આસામના કામરૂપ જિલ્લાના બામુનિગાંવ વિસ્તારમાં તાજેતરમાં એક એવી ફિલ્મી ઘટના બની કે જાણે કોઈ મસાલેદાર થ્રિલર મૂવીનું શૂટિંગ ચાલતું હોય. અહીં હાઇવે પર પૂરઝડપે દોડતી એક હ્યુન્ડાઈ કાર નંબર AS 01 DX 5856 અચાનક રોડની સાઈડમાં આવેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ મામલો એટલો બગડ્યો કે એક મહિલા સીધી જ ચાલતી કારની બોનેટ અને છત પર જઈને ચઢી બેઠી. આટલું જ નહીં, તેણે ગુસ્સામાં આવીને કારના કાચ પણ તોડી નાખ્યા. અચાનક બનેલી આ ઘટનાથી રસ્તા પર લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં અને હાઇવે પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
આટલો બધો તમાશો જોઈને આસપાસના લોકો ચોંકી ગયા અને તેમને શંકા ગઈ કે કદાચ આ મહિલાનું અપહરણ કરીને તેને બળજબરીથી કારમાં લઈ જવામાં આવી રહી છે. ગભરાયેલા લોકોએ તાત્કાલિક કારને રોકી લીધી અને પોલીસને ફોન કરીને બોલાવી લીધી. બોકો પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ મુન્ના પચાનીના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો હતો. શરૂઆતમાં તો લોકોને અપહરણ લાગતું હતું, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં મામલો કંઈક અલગ જ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં ખૂલ્યું છે કે આ સમગ્ર મામલો ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા કોઈ નાણાકીય વિવાદ કે પૈસાની લેવડદેવડનો હોઈ શકે છે. પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને ગોલપારા જિલ્લાના લખીપુરના રહેવાસી ફરીદુલ ઇસ્લામ, દારંગ જિલ્લાના બરુઆઝારના અમીદુલ અને ઉલુબારીના અબ્બાસ અલી નામના 3 શખ્સોને ડિટેઈન કર્યા છે. આ સિવાય જે મહિલાએ હોબાળો મચાવ્યો હતો, તેની સાથે થાંગખા હાઓ અને ચટમિન ખાંગ નામના અન્ય બે લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ત્રણેય જણા અગાઉ પણ ડ્રગ્સના એક અલગ કેસમાં પકડાઈ ચૂક્યા છે.
હાલ તો પોલીસ આ સમગ્ર ઘટનાક્રમ પાછળનું સાચું કારણ શું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પકડાયેલા તમામ લોકોની કડક પૂછપરછ ચાલી રહી છે જેથી એ સ્પષ્ટ થઈ શકે કે કાર સાથે અથડાવાની ઘટના અને મહિલાનું કાર પર ચઢી જવું એ કોઈ અગાઉનું પ્લાનિંગ હતું કે પછી અચાનક થયેલી બથાકી હતી. ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા આ શંકાસ્પદ કનેક્શને પોલીસનું ટેન્શન વધારી દીધું છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.
