JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

સવારે ઊઠ્યા પછી ઓશિકા પર લાળ દેખાય છે, જાણો તેના કારણો અને ગંભીર સંકેતો વિશે

Oct 26, 2026 | 17:55 | By JAMNAGAR MIRROR
સવારે ઊઠ્યા પછી ઓશિકા પર લાળ દેખાય છે, જાણો તેના કારણો અને ગંભીર સંકેતો વિશે
ઘણા લોકોને સવારે ઊંઘમાંથી જાગ્યા પછી ઓશિકા પર લાળ જોવા મળે છે. ક્યારેક આવું થવું સામાન્ય છે, પરંતુ જો આ સમસ્યા રોજ થતી હોય અથવા તેની સાથે અન્ય તકલીફો પણ અનુભવાતી હોય, તો તેના કારણો પર ધ્યાન આપવું અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

સવારના સમયે ઊંઘમાંથી જાગ્યા પછી જો અવારનવાર ઓશિકા પર લાળના નિશાન જોવા મળતા હોય, તો તે એકદમ સામાન્ય લાગતી નાની વાત નથી. ક્યારેક-ક્યારેક આવું થવું કુદરતી છે અને તેનાથી કોઈ મોટો ખતરો નથી હોતો, પરંતુ જો આ રોજબરોજની ઘટમાળ બની જાય તો થોડું ચેતી જવાની જરૂર છે. કેટલાક લોકોના મોંમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં લાળ બનતી હોય છે અથવા તો ઊંઘતી વખતે લાળ ગળવામાં મુશ્કેલી પડતી હોય છે, જેના કારણે મોંમાંથી લાળ બહાર નીકળીને ઓશિકા પર પથરાઈ જાય છે. આ ઉપરાંત, દાંત અને પેઢાંની કોઈ સમસ્યા હોય અથવા રોજિંદી ચાલતી કેટલીક દવાઓની આડઅસરના કારણે પણ આવું બની શકે છે. જો દિવસ દરમિયાન પણ વારંવાર લાળ નીકળતી રહે કે ખોરાક ગળતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ અનુભવાય, તો સમય બગાડ્યા વગર હોસ્પિટલ જઈને ડૉક્ટરને બતાવી દેવું હિતાવહ છે.

આ સમસ્યા પાછળ શરદી, એલર્જી કે સાઇનસ જેવા કારણો પણ જવાબદાર હોઈ શકે છે. જ્યારે નાક બંધ થઈ જાય છે ત્યારે મજબૂરીમાં વ્યક્તિએ નાકને બદલે મોંથી શ્વાસ લેવો પડે છે. ઊંઘતી વખતે મોં ખુલ્લું રહી જતું હોવાને કારણે લાળ સરળતાથી બહાર આવી જાય છે. જો લાંબા સમય સુધી નાક બંધ રહેવાની તકલીફ રહેતી હોય, તો તેની યોગ્ય તપાસ કરાવવી અનિવાર્ય છે. આ સિવાય જો ઊંઘતી વખતે લાળ નીકળવાની સાથે મોટેથી નસકોરાં બોલતા હોય, રાત્રે અચાનક વારંવાર ઊંઘ ઊડી જતી હોય કે સવારે જાગ્યા પછી પણ શરીરમાં ભારે થાક અનુભવાતો હોય, તો તે સ્લીપ એપનિયા જેવી ઊંઘ સંબંધિત બીમારીનો ઈશારો હોઈ શકે છે. સ્લીપ એપનિયામાં ઊંઘ દરમિયાન શ્વાસ થોડા સમય માટે વારંવાર અટકી જાય છે અથવા ઓછો થઈ જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ક્યારેક બનતી આ ઘટનાને સામાન્ય માનીને નજરઅંદાજ કરી શકાય છે, પરંતુ જો આ તકલીફ સતત રહેતી હોય તો સાવધ થઈ જવું જોઈએ. જો લાળ નીકળવાની સાથે ગળવામાં મુશ્કેલી પડે અથવા વારંવાર ખાંસી આવવાની સમસ્યા સતાવે, તો તબીબી તપાસ જ સાચો રસ્તો છે. આ બધામાં સૌથી મોટો ખતરો એ છે કે જો અચાનક ચહેરો એક તરફ ઢળી જાય, બોલવામાં જીભથડ થતી હોય અથવા શરીરની એક બાજુ અચાનક નબળાઈ અનુભવાય, તો તે સ્ટ્રોકનાં અત્યંત ગંભીર ચિહ્નો હોઈ શકે છે. આવી કોઈ પણ કટોકટીભરી સ્થિતિમાં જરાય સમય બગાડ્યા વગર તુરંત જ ઇમરજન્સી મેડિકલ હેલ્પ લેવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા અને શરીરને ફીટ રાખવા માટે નિયમિતપણે યોગ કરવા જોઈએ, જેનાથી મનને શાંતિ મળે છે, તણાવ દૂર થાય છે અને શરીર રોગમુક્ત રહે છે.

LATEST ARTICLES