JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

E100 ફ્લેક્સ-ફ્યુઅલને મળી મંજૂરી, તમારી કાર પર શું થશે અસર? 10 કે 15 વર્ષ જૂની ગાડીઓ અંગે સરકારે શું આપી સ્પષ્ટતા

Oct 26, 2026 | 16:55 | By JAMNAGAR MIRROR
E100 ફ્લેક્સ-ફ્યુઅલને મળી મંજૂરી, તમારી કાર પર શું થશે અસર? 10 કે 15 વર્ષ જૂની ગાડીઓ અંગે સરકારે શું આપી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે E100 ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે નિયમો જાહેર કર્યા છે, જેનાથી 100 ટકા ઇથેનોલ પર ચાલતાં વાહનોનો રસ્તો સાફ થયો છે. જાણો સામાન્ય કારમાં ઇથેનોલ વાપરી શકાશે કે નહીં અને 10 કે 15 વર્ષ જૂની ગાડીઓ તેમજ 2026 માં ખરીદેલી નવી ગાડીઓ પર તેની શું અસર પડશે.

છેલ્લા કેટલાક સમયથી ઇથેનોલને લઈને બજારમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી અને વાહનચાલકોના મનમાં સવાલો હતા કે તેનાથી એન્જિન ખરાબ થઈ રહ્યા છે કે કેમ. આ બધા વચ્ચે હવે કેન્દ્ર સરકારે એક મોટું અને ઐતિહાસિક પગલું ભરતાં E100 ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારાનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે. સરકારના આ નિર્ણયથી હવે દેશમાં 100 ટકા ઇથેનોલ પર ચાલતાં વાહનોના ઉત્પાદન અને વેચાણનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો છે. આ જાહેરાત બાદ દેશભરના કરોડો કાર માલિકો ચિંતામાં મૂકાયા છે કે તેમની ગાડીઓનું શું થશે, કારણ કે ઇથેનોલ એ શેરડી, મકાઈ અને અનાજમાંથી બનતું બાયોફ્યુઅલ છે. અત્યારે સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર E20 એટલે કે 20 ટકા ઇથેનોલવાળું પેટ્રોલ મળે છે, ત્યારે E100 નો અર્થ સીધો 100 ટકા ઇથેનોલ થાય છે.

જો તમારી પાસે 15 વર્ષ કે તેથી વધુ જૂની પેટ્રોલ કાર હોય તો તમારે અત્યંત સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આવી ગાડીઓ શુદ્ધ પેટ્રોલ પર ચાલવા માટે જ ડિઝાઇન થઈ હતી. આ જૂની ગાડીઓના એન્જિન, ફ્યુઅલ ઇન્જેક્ટર, રબર પાઇપ અને ફ્યુઅલ ટેન્ક ઇથેનોલનું મિશ્રણ સહન કરવા સક્ષમ નથી હોતા. જો આવી ગાડીઓમાં ભૂલથી પણ વધુ ઇથેનોલવાળું ઇંધણ નાખવામાં આવે, તો ફ્યુઅલ પાઇપ ઓગળી જવાની અને એન્જિનના પાર્ટ્સને મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે વાત કરીએ 10 વર્ષ જૂની ગાડીઓની, તો તેમના એન્જિન 15 વર્ષ જૂની કાર કરતાં થોડા સારા જરૂર હોય છે, છતાં તે માત્ર 5 ટકા થી 10 ટકા સુધીનું જ ઇથેનોલ મિશ્રણ સહન કરી શકે છે. તેથી 10 વર્ષ જૂની કારમાં પણ કોઈ પણ સત્તાવાર કિટ વગર સીધા E100 નો ઉપયોગ કરવો મોંઘું સાબિત થઈ શકે છે, જેનાથી માઇલેજ ઘટી શકે છે અને એન્જિનમાં કાટ કે લિકેજની સમસ્યા આવી શકે છે.

હવે સવાલ એ થાય કે જે લોકો વર્ષ 2026 માં અથવા તાજેતરના સમયમાં નવી કાર ખરીદી રહ્યા છે તેમનું શું? હાલ બજારમાં મળતી નવી ગાડીઓ E20 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે આવી રહી છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે તે સીધી E100 પર ચાલી શકશે. સરકારના નવા નિયમનો એવો કોઈ ઉદ્દેશ્ય નથી કે 2026 માં ખરીદેલી સામાન્ય કારોમાં હવે 100 ટકા ઇથેનોલ પુરાવવું ફરજિયાત છે. આ ગાડીઓએ તો પોતાના નિયમિત પેટ્રોલ પર જ ચાલવું પડશે. બજારમાં E100 ફ્યુઅલનો ઉપયોગ ફક્ત એવા જ વિશેષ ફ્લેક્સ-ფ્યુઅલ વાહનોમાં થઈ શકશે, જેનું ઉત્પાદન અને પ્રમાણીકરણ ઓટોમોબાઈલ કંપનીઓ ખાસ E100 સર્ટિફિકેશન સાથે જ બજારમાં ઉતારશે. સામાન્ય વાહનચાલકોએ આ નવા નિયમોથી ડબરાવવાની કે ઘભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે જ્યાં સુધી તમે ખાસ ફ્લેક્સ-ફ્યુઅલવાળી ગાડી ખરીદતા નથી, ત્યાં સુધી તમારી સામાન્ય કાર પર તેની કોઈ માઠી અસર નહીં પડે.

LATEST ARTICLES