વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે સીધા ચેડાં કરવામાં આવી રહ્યા હતા. મંજુસર પોલીસે બાતમીના આધારે અહીંના એક પ્રોવિઝન સ્ટોર પર દરોડો પાડીને ગેસ રિફિલિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રોજિંદી ચીજવસ્તુઓ વેચવાની આડમાં આ ગેરકાયદે ધંધો લાંબા સમયથી ધમધમી રહ્યો હતો તે જાણીને સ્થાનિક લોકો પણ ચોંકી ગયા છે.
મળતી માહિતી મુજબ, મંજુસર ગામે આવેલી દિલીપ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કાળું કારોબાર ચાલતું હતું. આરોપીઓ સરકારી સબસિડીવાળા અને મોટા ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ચાલાકીપૂર્વક ગેસ કાઢીને અન્ય નાના કે ઓછા વજનના સિલિન્ડરોમાં ભરતા હતા. સિલિન્ડરની અસલી સીલ એવી રીતે ખોલવામાં આવતી કે કોઈને શંકા ન જાય, અને પછી ફરીથી પેક કરીને ગ્રાહકોને પૂરા પૈસા લઈને ઓછા વજનના બાટલા પધરાવી દેવામાં આવતા હતા. આ રીતે સીધી જ ગ્રાહકો સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી રહી હતી.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ દુકાન પર ઓચિંતી રેડ કરી હતી, જેમાં સ્થળ પરથી અંદાજે 40 નાના-મોટા ગેસના બોટલો મળી આવ્યા હતા. પોલીસે ગેસ રિફિલિંગમાં વપરાતા તમામ સાધનો અને સિલિન્ડરો કબજે કરીને કુલ રૂપિયા 1,09,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા નરેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત અને રોશનબેન વ્હોરા નામના બે આરોપીઓની ઓળખ થઈ છે. મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
