JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

જાપાનના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર યાસુઓ ફુકુડાનું 90 વર્ષની વયે નિધન, ચીન સાથેના સંબંધો સુધારવામાં ભૂમિકા રહી ખાસ

Oct 26, 2026 | 15:45 | By JAMNAGAR MIRROR
જાપાનના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર યાસુઓ ફુકુડાનું 90 વર્ષની વયે નિધન, ચીન સાથેના સંબંધો સુધારવામાં ભૂમિકા રહી ખાસ
જાપાનના રાજકારણમાં મોટો વળાંક લાવનારા અને ચીન સાથે મજબૂત સંબંધોની શરૂઆત કરનારા પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર યાસુઓ ફુકુડાએ 22 ઓક્ટોબરે દુનિયાને અલવિદા કહી દીધું છે. 90 વર્ષની વયે તેમનું અવસાન થવાથી જાપાનના રાજકીય વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રુલીંગ પાર્ટીના એક અધિકારીએ સોમવારે આ દુઃખદ સમાચાર આપતા જણાવ્યું કે, પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર યાસુઓ ફુકુડાનું 22 ઓક્ટોબરે નિધન થયું છે. સપ્ટેમ્બર 2007માં શિન્ઝો આબેના રાજીનામા બાદ ફુકુડાએ જાપાનની કમાન સંભાળી હતી અને લગભગ 1 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન જાપાન અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો હતો. તેમણે પડોશી દેશ ચીન સાથેના સંબંધો સુધારવા માટે ખાસ પ્રયાસો કર્યા હતા અને તે સમયના ચાઇનીઝ પ્રેસિડેન્ટ હુ જિંતાઓને જાપાન મુલાકાતે આમંત્રણ આપ્યું હતું.

મે 2008માં હુ જિંતાઓની આ મુલાકાત ખૂબ જ ऐतिहासिक રહી હતી કારણ કે છેલ્લા 1 દાયકામાં જાપાનની મુલાકાતે આવનારા તેઓ પહેલા ચાઇનીઝ હેડ ઓફ સ્ટેટ હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડીને પરસ્પર હિતો અને સહયોગ માટે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જોકે, પબ્લિકમાં અપ્રૂવલ રેટિંગ ઘટવાના કારણે તેમણે સપ્ટેમ્બર 2008માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને વર્ષ 2012માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી.

રાજકારણ છોડ્યા પછી પણ જ્યારે ટોક્યો અને બેજિંગ વચ્ચે આઇલેન્ડ વિવાદ અને ઇતિહાસના મુદ્દાઓને લઈને તણાવ વધ્યો, ત્યારે ફુકુડા શાંતિદૂત બનીને આગળ આવ્યા હતા. તેમણે વર્ષ 2014માં ચીનની મુલાકાત લઈને પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે મહત્ત્વની વાતચીત કરી હતી. તેમની આ મધ્યસ્થીના કારણે જ ભવિષ્યમાં શી જિનપિંગ અને શિન્ઝો આબે વચ્ચે સમિટ યોજાવાનો રસ્તો સાફ થયો હતો. ફુકુડા હંમેશા એવા નેતા તરીકે યાદ રહેશે જેમણે કડવાશ ભુલાવીને બે એશિયન જાયન્ટ્સ વચ્ચે મિત્રતાના સેતુ બાંધવાની કોશિશ કરી હતી.

LATEST ARTICLES