આજકાલ મોબાઈલ અને લેપટોપ પર મૂવીઝ કે વેબ સિરીઝ જોવાનો ક્રેઝ જબરદસ્ત વધી ગયો છે. યુવાનોથી લઈને વડીલો સુધી સૌ કોઈ OTT પ્લેટફોર્મ્સના દિવાના છે. પરંતુ આ જ ડિજિટલ મનોરંજન હવે ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે OTT પર આવતા કન્ટેન્ટને લઈને સરકાર પાસે ફરિયાદોનો રાફડો ફાટ્યો છે. હાલમાં સ્થિતિ એવી છે કે સરકાર પાસે છેલ્લા 6 મહિનાથી દર મહિને 1000થી વધુ ફરિયાદો આવી રહી છે. મોટાભાગની ફરિયાદો કન્ટેન્ટમાં વધતી જતી અશ્લીલતા અને વાંધાજનક ભાષાને લઈને છે, જેને કારણે સામાન્ય જનતામાં પણ નારાજગી જોવા મળી રહી છે.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે એક મજબૂત લીગલ ફ્રેમવર્ક બનાવવાની તૈયારી કરી રહી છે. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વચ્ચે આ મુદ્દે ઘણી મહત્વની બેઠકો યોજાઈ ચૂકી છે. હાલમાં OTT પ્લેટફોર્મ્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૂલ્સ, 2021ના ભાગ 3 હેઠળ નિયંત્રિત થાય છે, પરંતુ સરકારી અધિકારીઓના મતે આ નિયમોમાં રહેલા છીંડાને પૂરવા માટે હવે કડક કાયદાકીય જોગવાઈઓની જરૂર છે.
મોટી ચર્ચા એ વાત પર ચાલી રહી છે કે શું જૂના કાયદાઓમાં જ સુધારો કરીને કન્ટેન્ટ પર લગામ કસી શકાય કે પછી કોઈ નવો અલગ કાયદો બનાવવો પડે? સૂત્રોના જણાવ્યા અનુસાર સિનેમેટોગ્રાફ એક્ટ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં સંશોધન કરવાનો વિકલ્પ સરકારના ટેબલ પર છે. ખાસ કરીને સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મો માટે સેન્સર બોર્ડનું પ્રી-સર્ટિફિકેશન ફરજિયાત હોય છે, જ્યારે OTT પર રિલીઝ થતી સિરીઝ કે મૂવીઝને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. આ જ તફાવતને દૂર કરવા અને ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમને વધુ પાવરફુલ બનાવવા માટે સરકાર ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
