JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

જેફરી એપ્સટીન ફાઇલ્સનો ઉપયોગ કરીને હૂતી વિદ્રોહીઓ સાઉદી અરેબિયા સામે પ્રોપગેન્ડા વોર લડી રહ્યા છે

Oct 26, 2026 | 15:45 | By JAMNAGAR MIRROR
જેફરી એપ્સટીન ફાઇલ્સનો ઉપયોગ કરીને હૂતી વિદ્રોહીઓ સાઉદી અરેબિયા સામે પ્રોપગેન્ડા વોર લડી રહ્યા છે
યેમેનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાને ઘેરવા માટે એક વિચિત્ર હથિયાર શોધી કાઢ્યું છે. મક્કાની પવિત્ર કાબાના કવર એટલે કે કિસ્વાને જેફરી એપ્સટીનની પ્રાઇવેટ આઇલેન્ડ પર મોકલવામાં આવ્યા હોવાના રિપોર્ટ્સનો ઉપયોગ કરીને હૂતીઓએ સોશિયલ મીડિયા પર સાઉદી શાસકો વિરુદ્ધ મોરચો ખોલ્યો છે અને પોતાને ઇસ્લામના અસલી રક્ષક તરીકે રજૂ કરી રહ્યા છે.

સાઉદી અરેબિયા સામે લડી રહેલા યેમેનના હૂતી મિલિશિયા હવે માત્ર મિસાઇલો અને ડ્રોનથી જ હુમલા નથી કરી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર એક જોરદાર પ્રોપગેન્ડા વોર પણ છેડી દીધું છે. સાઉદી અરેબિયાને તેની જ ધાર્મિક બાબતોમાં પછાડવા માટે હૂતીઓએ એક અજીબોગરીબ હથિયાર શોધી કાઢ્યું છે, જેનું નામ છે જેફરી એપ્સટીન. અમેરિકાના આ કુખ્યાત સેક્સ ઓફેન્ડરની ફાઇલ્સ અને રિપોર્ટ્સનો ઉપયોગ કરીને હૂતીઓ સાઉદી શાહી પરિવારને ભ્રષ્ટ અને ઇસ્લામની રક્ષા માટે અયોગ્ય સાબિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલતા આ કેમ્પેઈનનો મુખ્ય હેતુ સાઉદી અરેબિયાની છબી ખરાબ કરવાનો છે.

આ વિવાદની શરૂઆત એવા રિપોર્ટ્સથી થઈ જેમાં દાવો કરવામાં આવ્યો કે સાઉદી રોયલ કોર્ટના કેટલાક સહયોગીઓએ ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કાના કાબા પર ચઢાવવામાં આવતી ચાદર જેફરી એપ્સટીનના પ્રાઇવેટ આઇલેન્ડ પર મોકલી આપી હતી. યેમેનની મોટાભાગની વસ્તી પર નિયંત્રણ ધરાવતા હૂતી વિદ્રોહીઓ આ વાતને બરાબર પકડી લીધી છે. તેઓ પોતાના દુશ્મનોની અંદરની ખબરો રાખવામાં માહેર છે અને સાઉદી અરેબિયા સામે જનસમર્થન મેળવવા માટે આ માહિતીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હૂતી સમર્થકો કાબા સાથેના ફોટા અને વીડિયો વાયરલ કરીને એવું બતાવી રહ્યા છે કે તેઓ જ ઇસ્લામના અસલી રક્ષક છે.

બીજી તરફ સાઉદી અરેબિયાએ આક્ષેપ કર્યો છે કે હૂતીઓએ મક્કા અને મદીના તરફ ડ્રોન હુમલો કર્યો છે, જેને સાઉદીએ મુસ્લિમોની ભાવનાઓ ભડકાવવાનો હીન પ્રયાસ ગણાવ્યો છે. જોકે હૂતીઓએ આ આરોપોને સદંતર ફગાવી દીધા છે અને ઉલટાનું સાઉદી પર જ ધાર્મિક દ્રોહનો આરોપ મૂક્યો છે. હૂતી પ્રેસિડેન્ટ મહદી અલ-માશાતે નિવેદન આપ્યું છે કે જે લોકોએ કાબાનું કવર એપ્સટીનને આપ્યું હતું, અસલમાં તો તેઓ જ મક્કા પર નિશાન સાધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ મેસેજને વાયરલ કરવા માટે યેમેનના લોકપ્રિય કલાકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની મદદ લેવામાં આવી રહી છે, જેનાથી આ પ્રોપેગેન્ડા ઝડપથી ફેલાઈ રહ્યો છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હૂતીઓની આ મીડિયા રણનીતિ હવે કોઈ સામાન્ય બાબત નથી રહી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમનું કમ્યુનિકેશન નેટવર્ક ઘણું મજબૂત બન્યું છે. બે લોકોની ટીમથી શરૂ થયેલું આ પ્રોપગેન્ડા મશીન આજે એક સંગઠિત સિસ્ટમ બની ગયું છે, જે સોશિયલ મીડિયા પર સાઉદી અરેબિયાને સતત મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. યુદ્ધના મેદાનની સાથેસાથે આ ડિજિટલ જંગે પણ હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

LATEST ARTICLES