ખંભાળિયા નગરપાલિકાનો વહીવટ હંમેશાં કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતો હોય છે, ત્યારે હવે પાલિકાના વિકાસ કાર્યોમાં ચાલતી લાલિયાવાડીનો એક મોટો પર્દાફાશ થયો છે. પાલિકા દ્વારા શહેરમાં જે પણ વિકાસ કામો કરવામાં આવે તેમાં ખનિજ વાપરવા માટે નિયમ મુજબ ફરજિયાત રોયલ્ટી ભરવાની હોય છે. પરંતુ આ નિયમને નેવે મૂકીને લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતા ભારે હડકંપ મચી ગયો છે. કોંગ્રેસના કાર્યકર કપિલ ચાવડા દ્વારા કરવામાં આવેલી સખત રજૂઆતના પગલે પાલિકાએ પણ સ્વીકારવું પડ્યું છે કે તેમની પાસે રોયલ્ટીની કોઈ જ પાવતી ઉપલબ્ધ નથી.
શહેરમાં છેલ્લા સમયમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેક મોટા વિકાસ કાર્યો થયા છે. જેમાં તેલી નદીમાં ગટરનું કામ, ખામનાથ પાસે પ્રાર્થના હોલનું કામ, સલાયા ફાટક પાસે રોડનું કામ, નગરપાલિકામાં યોગ કેન્દ્ર ઉપર બનેલું જીમ, ખામનાથ મહાદેવ પાસે ચેકડેમનું કામ તેમજ શાક માર્કેટના રિનોવેશન જેવા અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ તમામ કરોડોના કામોમાં સરકારી નિયમ મુજબ રોયલ્ટી ભરવાની થતી હતી, પરંતુ પાલિકાના રેકર્ડ પર તેનો કોઈ જ અતોપતો નથી.
આ સમગ્ર મામલે સૌથી મોટો ધડાકો તો ત્યારે થયો જ્યારે ચીફ ઓફિસરે લેખિતમાં એવું કબૂલ્યું કે કોન્ટ્રાક્ટરોની ડિપોઝિટ માત્ર સોગંદનામાના આધારે જ છૂટી કરી દેવામાં આવતી હતી. જો રોયલ્ટી ભરવામાં જ ન આવી હોય અને કોન્ટ્રાક્ટરોએ રોયલ્ટી ભરી હોવાના ખોટા સોગંદનામા રજૂ કરીને ડિપોઝિટ મેળવી લીધી હોય, તો તે સીધી રીતે ગંભીર અનિયમિતતા અને કાયદાકીય ગુનો બને છે. પાલિકા ખુદ આ બાબતે ખોટા સોગંદનામા થયા હોવાની શંકા વ્યક્ત કરી રહી છે, જેને કારણે હવે કોન્ટ્રાક્ટરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ખંભાળિયાના આ બેદરકાર વહીવટને લઈને સ્થાનિક રાજકારણમાં અને પ્રજામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે સરકારી નાણાંની આ પ્રકારે લૂંટ ચલાવનારા જવાબદાર લોકો સામે ક્યારે કડક પગલાં લેવાશે.
