જ્યારે ઉનાળાની શરૂઆત પહેલા જ પાણી માટે વલખાં મારવાના દિવસો આવી જાય, ત્યારે સામાન્ય પરિવારની ચિંતા વધી જવી સ્વાભાવિક છે. કંઈક એવી જ સ્થિતિ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં જોવા મળી રહી છે. અહીં સરકારે ભલે સૌની યોજનાનું પાણી પહોંચાડ્યું હોય, છતાં સ્થાનિક સ્તરે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. હાલની સ્થિતિ એવી છે કે શહેરના નાગરિકોને દર 4 દિવસે માંડ એક વખત પીવાનું પાણી મળી રહ્યું છે, જેના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
શહેરમાં પાણીની આ સમસ્યા વધુ વિક્રાળ ન બને તે માટે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. પાલિકા પ્રમુખ વિજય કણઝારિયા અને ચીફ ઓફિસર રાહુલ કરમુરના માર્ગદર્શન હેઠળ તંત્રએ પાણીના વૈકલ્પિક સ્ત્રોતો ઊભા કરવાની કવાયત તેજ કરી દીધી છે. હાલ ઘી ડેમમાં સૌની યોજનાનું પાણી આવ્યું છે અને સાથેસાથે નર્મદાનું પાણી તથા પાલિકાના પોતાના કૂવા અને બોર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તે અપૂરતું સાબિત થઈ રહ્યું છે.
આગામી દિવસોમાં પાણીની તંગી વધુ ગંભીર ન બને તે માટે પાલિકા દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે વિસ્તારોમાં અગાઉથી પાલિકાના બોર છે, જેવા કે રામનાથ સોસાયટી, ફૂલવાડી વોટર વર્કસ અને બેઠક રોડ, તે તમામ બોરને ફરીથી કાર્યાન્વિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઘી ડેમ અને વોટર વર્કસ પાસે આવેલા જૂના કૂવાઓની સફાઈ કરીને તેમાં જમા થયેલી ગાળ કાઢવામાં આવી રહી છે જેથી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય.
શહેરના જે પણ વિસ્તારોમાં ભૂગર્ભ જળના સારા સ્ત્રોત મળી શકે તેમ છે, ત્યાં નવા બોર બનાવીને પાણીના નવા વિકલ્પો ઊભા કરવા માટે પણ તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. પાલિકાના આ સક્રિય પ્રયાસોથી આગામી સમયમાં ખંભાળિયાની જનતાને પાણીની રાહ જોવામાંથી મોટી રાહત મળશે તેવી આશા બંધાઈ છે.
