આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શોપિંગ આપણી લાઈફસ્ટાઈલનો મહત્ત્વનો હિસ્સો બની ગયું છે, પરંતુ થોડીક બેદરકારી કે ઉતાવળ આપણને મોંઘી પડી શકે છે. બેંગ્લુરુમાં બનેલી એક ઘટના આ વાતની સાક્ષી પૂરે છે, જ્યાં એક સામાન્ય મહિલા સાથે એવું ઓનલાઈન ફ્રોડ થયું કે તે ચોંકી ઉઠી. રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ ઘરે બેઠા મંગાવવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો કડવો અનુભવ આ મહિલાને થયો છે.
ઘટનાની વિગત મુજબ, બેંગ્લુરુમાં રહેતી 56 વર્ષની એક મહિલાએ જાણીતી ક્વિક કોમર્સ એપ બ્લિંકીટ પરથી દહીંનો ઓર્ડર આપ્યો હતો. થોડીવારમાં ડિલિવરી પણ મળી ગઈ, પરંતુ જ્યારે મહિલાએ પાર્સલ ખોલ્યું તો દહીંનો ડબ્બો ડેમેજ થયેલો નીકળ્યો. સામાન્ય રીતે આપણે આવી ખરાબ ચીજવસ્તુ માટે કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરતા હોઈએ છીએ, આ મહિલાએ પણ એ જ કર્યું. તેણે ગૂગલ પર બ્લિંકીટનો કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો અને ત્યાં મળેલી હેલ્પલાઈન પર ફોન જોડ્યો.
મહિલાને કલ્પના પણ નહોતી કે તેણે જે નંબર પર ફોન કર્યો છે તે અસલી કંપનીનો નહીં, પરંતુ સાયબર ઠગ્સનો હતો. ફોન પર સામે છેડે બેઠેલા શખ્સે ખુદને કસ્ટમર કેર એજન્ટ તરીકે ઓળખાવ્યો અને મહિલાનો વિશ્વાસ જીતી લીધો. દહીંના પૈસા રિફંડ આપવાના બહાને ઠગે મહિલાને વોટ્સએપ પર એક લિંક મોકલી. મહિલાને રિફંડ મેળવવાની ઉતાવળ હતી એટલે તેણે એ લિંક ખોલી નાખી અને ઠગે જે સૂચનાઓ આપી તે મુજબ સ્ટેપ ફોલો કરતી ગઈ.
બસ, પછી તો જે થવાનું હતું તે જ થયું. થોડીવારમાં મહિલાના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેના બેંક અકાઉન્ટમાંથી એકાએક 98,000 રૂપિયા ડેબિટ થઈ ગયા છે. પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં જ મહિલાના હોશ ઉડી ગયા. તેણે તાત્કાલિક આ મા मामलेની ફરિયાદ નોંધાવી છે, પરંતુ આ કિસ્સો સૌ કોઈ માટે એક લાલબત્તી સમાન છે કે ઓનલાઈન કસ્ટમર કેર નંબર મેળવતી વખતે હંમેશા સાવચેત રહેવું જોઈએ અને ક્યારેય અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
