JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માલામાલ કરતી ટોચની 5 પાર્ટ-ટાઇમ નોકરીઓ

Oct 26, 2026 | 13:25 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માલામાલ કરતી ટોચની 5 પાર્ટ-ટાઇમ નોકરીઓ
અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી અને ખર્ચા કાઢવા પાર્ટ-ટાઇમ નોકરીઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. F-1 વિઝાના નિયમો હેઠળ કેમ્પસમાં રહીને કામ કરવાથી માત્ર સારી કમાણી જ નથી થતી, પણ સાથે-સાથે જોબ એક્સપિરિયન્સ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ પણ મજબૂત બને છે.

અમેરિકામાં ભણવાનું સપનું તો બધા જુએ છે, પણ ત્યાં જઈને ટ્યુશન ફી ભરવી, રહેવા-જમવાનો અને આવવા-જવાનો ખર્ચ ઉઠાવવો એ કોઈ નાનો પડકાર નથી. આવા સમયે જો હાથ પર થોડા પૈસા હોય તો ઘણો મોટો ટેકો મળી જાય છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસની અંદર જ અલગ-અલગ પ્રકારની પાર્ટ-ટાઇમ નોકરીઓના રસ્તા ખુલ્લા હોય છે. આ જોબ્સથી ખિસ્સામાં રૂપિયા તો આવે જ છે, સાથે-સાથે પ્રોફેશનલ નેટવર્ક અને કામનો અનુભવ પણ બોનસમાં મળે છે. અમેરિકામાં F-1 સ્ટુડન્ટ વિઝા પર રહેતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના નિયમો મુજબ કેમ્પસની અંદર આરામથી કામ કરી શકે છે, જોકે કેમ્પસની બહાર કામ કરવા માટે ખાસ મંજૂરી લેવી પડે છે. જોબ પ્લેટફોર્મ Indeed પર ઉપલબ્ધ ડેટા મુજબ, વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ગણાતી ટોચની 5 નોકરીઓ વિશે જાણીએ.

આ યાદીમાં પહેલો ઓપ્શન ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટનો છે, જે વહીવટી કામમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે. આ જોબમાં ફ્રન્ટ ડેસ્ક સંભાળવાનું, પ્રોફેસરોની મિટિંગ્સ ગોઠવવાની, જરૂરી ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરવાના અને ગેસ્ટ લેક્ચર જેવાં ઈવેન્ટ્સ મેનેજ કરવાના હોય છે. આનાથી ઓફિસ મેનેજમેન્ટનો સારો એવો અનુભવ મળી જાય છે. આ પદ પર વાર્ષિક અંદાજે 48,547 ડોલર સુધીની કમાણી થઈ શકે છે, જો કે ફાઇનલ સેલેરી કલાકો અને યુનિવર્સિટી પર ડિપેન્ડ કરે છે. આ ઉપરાંત, જેમને નવા લોકોને મળવું ગમતું હોય તેવા સ્ટુડન્ટ્સ માટે સ્ટુડન્ટ એમ્બેસેડરની ભૂમિકા ખૂબ જ મજેદાર રહે છે. નવી યુનિવર્સિટીમાં એડમિશન લેવા આવતા સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સને કેમ્પસ ફેરવવું અને કોર્સિસ વિશે માહિતી આપવાની આમાં કામગીરી હોય છે. આનાથી કોન્ફિડન્સ અને લીડરશિપ સ્કિલ વધે છે અને વાર્ષિક અંદાજે 42,457 ડોલર જેટલું કમાઈ શકાય છે.

અમેરિકામાં નવું નવું ગયા પછી ત્યાંના માહોલમાં સેટ થવામાં સમય લાગે છે, જેથી પીઅર મેન્ટરની નોકરી નવા વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ સાબિત થાય છે. સિનિયર સ્ટુડન્ટ્સ નવા આવનારાઓને કેમ્પસની સુવિધાઓ સમજાવવામાં, અસાઇનમેન્ટ સબમિટ કરવામાં અને કોલેજ લાઈફમાં એડજસ્ટ થવામાં મદદ કરે છે. આ જોબ દ્વારા વાર્ષિક અંદાજે 39,184 ડોલરની કમાણી થઈ શકે છે. આ સિવાય, શાંતિથી કામ કરવાનું પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી આસિસ્ટન્ટની જોબ બેસ્ટ ઓપ્શન છે. પુસ્તકો ગોઠવવા, તેની લેવડદેવડ કરવી અને લાઇબ્રેરીના નિયમો જાળવવાનું આમાં કામ હોય છે. આનાથી પોતાના અભ્યાસ માટે પણ શાંત વાતાવરણ મળી જાય છે અને સરેરાશ વાર્ષિક 36,614 ડોલર કમાઈ શકાય છે. કોઈ ખાસ વિષયમાં પકડ હોય તેવા સ્ટુડન્ટ્સ ટીચિંગ આસિસ્ટન્ટ બનીને પ્રોફેસરોને સ્ટડી મટીરિયલ બનાવવામાં, પેપરો તપાસવામાં અને વિદ્યાર્થીઓના ડાઉટ્સ સોલ્વ કરવામાં મદદ કરી શકે છે, જેનાથી વાર્ષિક અંદાજે 27,896 ડોલર સુધીની આવક થઈ શકે છે.

અમેરિકામાં કોઈપણ પાર્ટ-ટાઇમ જોબ પકડતા પહેલાં સ્ટુડન્ટ્સે પોતાની યુનિવર્સિટીના નિયમો અને વિઝાની શરતો બરાબર જાણી લેવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે F-1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કેમ્પસમાં અઠવાડિયાના વધુમાં વધુ 20 કલાક જ કામ કરવાની છૂટ મળે છે, જ્યારે વેકેશન કે રજાઓ દરમિયાન કલાક વધારી શકાય છે. દરેક કોલેજ અને જોબના નિયમો અલગ હોઈ શકે છે, તેથી કેમ્પસની બહાર નોકરી કરતા પહેલાં ઇમિગ્રેશનના તમામ નિયમો ચકાસી લેવા હિતાવહ છે.

LATEST ARTICLES